અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા અતિભારે વરસાદને કારણે અનેક ગામો અને તાલુકાઓમાં વ્યાપક નુકસાન સર્જાયું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક, રહેણાંક મકાનો, પશુપાલકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયાની સ્થિતિ સામે આવી છે. આ સમગ્ર મામલે જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષા ચાંકડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી સરકાર દ્વારા યોગ્ય સહાય જાહેર કરવાની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે અનેક ગામોમાં રસ્તાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે પૂરતું બજેટ ન હોવાથી રસ્તાઓનું સમારકામ શક્ય બનતું નથી. તેથી સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવી રસ્તાઓના ઝડપી સમારકામ સાથે અસરગ્રસ્ત ખેડૂતો, પશુપાલકો અને લોકોને વહેલી તકે રાહત પેકેજ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.