લાઠી તાલુકાના મેમદા ગામે એક યુવકને જૂની અદાવતમાં આંતરીને ગાળો આપી, જાનથી મારવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ બનાવ સંદર્ભે અજયભાઇ ભરતભાઇ ખેરે નીતાબેન કુરજીભાઇ ખેર, કુરજીભાઇ મેઘાભાઇ ખેર, મહેશભાઇ રણછોડભાઇ ખેર તથા ગીતાબેન મહેશભાઇ ખેર સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓ જ્યારે ફરિયાદીના ઘર સામેની શેરીમાંથી નીકળ્યા ત્યારે મોટેથી બોલતા ગયા હતા કે, આ લોકોને પોલીસ કેસ કરી સલવાડી (ફસાવી) દેવા છે. જે બાબતે ફરિયાદીના દાદા આરોપીઓના ઘરે તેઓને સમજાવવા માટે ગયા ત્યારે આરોપીઓએ દાદા સાથે ઉધ્ધત વર્તન કરી ધક્કો મારી પછાડી દીધા હતા અને ગાળો આપવા લાગ્યા હતા.આથી ફરિયાદી વચ્ચે પડતા ચારેય આરોપીઓએ એકસંપ થઈ તેમને ઢીકાપાટુ વડે માર માર્યો હતો અને માથાના આગળના ભાગે કોઈ બોડી વસ્તુ મારી લોહી કાઢી નાખ્યું હતું. આ ઉપરાંત, ફરિયાદીને શરીરે મૂઢ ઇજા પહોંચાડી, બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. એ. ચારોલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.






































