ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત ‘ભોજલરામ ઉત્કર્ષ ભવન’ દ્વારા રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા ભવન ખાતે રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિમાં આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નરેશભાઈ પટેલ અને ઉપસ્થિત નિષ્ણાત તબીબોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલે આરોગ્યની સંભાળ અને રોગોના પ્રિવેન્શન પર ભાર મૂકી સૌના નિરોગી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.કેમ્પમાં હૃદય રોગ, કેન્સર, હાડકા અને આંખ સહિતના વિવિધ રોગોના નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી. જેમાં મોઢાના કેન્સરની ખાસ તપાસ, વિવિધ બ્લડ રિપોર્ટ અને આંખના દર્દીઓને ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. સવારે ૮ઃ૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પનો ૭૦૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.