મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાના આંગણે આયોજિત ‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ દરમિયાન જીએસએફસી ગેટ નંબર-૧ ખાતેથી ૩૦ નવી એસી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પીએમ ઈ બસ સેવા’ હેઠળ આ પર્યાવરણલક્ષી પરિવહન ક્રાંતિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરની વધતી જતી જરૂરિયાતોને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અગાઉની ૧૦૦ બસોના બદલે હવે કુલ ૨૫૦ એસી ઈલેÂક્ટ્રક બસો મંજૂર કરવામાં આવી છે. આ યોજનાના પ્રથમ ચરણમાં કુલ ૧૩૦ બસો ફાળવવામાં આવનાર છે, જેના ભાગરૂપે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ ઈલેÂક્ટ્રક બસો ‘ઝીરો એમિશન’ ટેકનોલોજીથી સજ્જ હોવાથી શહેરના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે અને નાગરિકોને શુદ્ધ હવામાં મુસાફરીનો લાભ મળશે. આ તમામ બસો સંપૂર્ણ એર- કન્ડીશન્ડ અને અવાજરહિત હોવાથી મુસાફરી વધુ સુખદ અને આરામદાયક બનશે. મુસાફરોની સુરક્ષા માટે બસોમાં સીસીટીવી કેમેરા, પેસેન્જર કાઉન્ટીગ સિસ્ટમ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, અકસ્માત સામે રક્ષણ માટે ફાયર એક્સટિંગ્વીશર અને ફર્સ્ટ એઈડ કિટની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ બસો વ્હીલચેર એક્સેસિબલ છે. દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પ્રાધાન્ય સીટો તેમજ મહિલાઓ માટે ખાસ ‘પિન્ક સીટ્‌સ’ અનામત રાખવામાં આવી છે. પસંદગીની બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ અને રેમ્પની સુવિધા પણ આપવામાં આવી છે. તદુપરાંત આધુનિક મુસાફરી માટે ડિજિટલ ટિકિટિંગ, લાઈવ ટ્રેકિંગ માટે જી.પી.એસ. સિસ્ટમ અને એનાઉન્સમેન્ટ માટે ‘પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ’ કાર્યરત રહેશે. નાગરિકો રોકડ ઉપરાંત યુપીઆઈ, ટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટિકિટ મેળવી શકશે. બસોના સુચારૂ સંચાલન માટે ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા, સયાજીપુરા અને મકરપુરા ખાતે ખાસ ચાર્જીગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી ડો. મનીષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાની આ પર્યાવરણપ્રેમી પહેલ માત્ર મુસાફરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આવનારી પેઢીને દૂષણમુક્ત વાતાવરણ આપવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. આ એસી ઇલેક્ટ્રિક બસોના આગમનથી વડોદરાના જાહેર પરિવહન માળખામાં નૂતન ઊર્જાનો સંચાર થયો છે.