ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામાન્ય નાગરિકોની જેમ કલોલ-મહેસાણા હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા. રોજના આ ટ્રાફિકથી પરેશાન થઈને અને હાઈવે પર ક્યાંય પોલીસકર્મીઓ હાજર ન જણાતા આખરે તેમનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેઓ સીધા જ કલોલ સ્થિત ડીવાય એસપી કચેરી અને પોલીસ મથકે પહોંચી ગયા હતા, જ્યાં તેમણે પોતાની ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
મળતી માહિતી મુજબ, કલોલ-મહેસાણા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ ભયંકર જામમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો કાફલો પણ ફસાયો હતો. ટ્રાફિક હળવો કરવા માટે રસ્તા પર કોઈ હોમગાર્ડ કે ટ્રાફિક પોલીસ જવાન હાજર ન હોવાનું જોઈને નીતિન પટેલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ટ્રાફિકમાંથી માંડ-માંડ નીકળીને તેઓ સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં હાજર પોલીસકર્મીઓ અને અધિકારીઓનો પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ બરાબરનો ઉધડો લીધો હતો. તેમણે પોલીસ તંત્રની ગંભીર બેદરકારી સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, જો હાઈવે પર રોજ આટલો મોટો ટ્રાફિક જામ થતો હોય, તો પોલીસ ક્યાં ગાયબ હોય છે? સામાન્ય જનતા રોજ આ હાલાકી કેમ ભોગવે? ગુસ્સામાં તેમણે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે, “હું હમણાં જ તમારા ડીએસપીને ફોન કરું છું!” આ સાથે જ તેમણે પોલીસ તંત્રની આ નિસ્ક્રિયતા અને બેદરકારી મુદ્દે ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ કડક રજૂઆત કરવાની પણ ચીમકી આપી હતી.






































