યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા શ્વાનોને લાડવા ખવડાવવાનો સેવા કાર્યક્રમ યોજાયો હતો. ગાયત્રી સંસ્કાર ધામના શિલ્પી પ.પૂ. સંતશ્રી ડા. રતિદાદાના આશીર્વાદ અને ભારતભૂષણ મહેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ગાયત્રી પરિવારના કાર્યકરોએ ચલાલાના વિવિધ વિસ્તારોમાં ફરીને શ્વાનોને પ્રેમપૂર્વક લાડવા ખવડાવ્યા હતા. સારા વરસાદ, સુખ-સમૃદ્ધિ અને સર્વજન હિતની પ્રાર્થના સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં જીવમાત્ર પ્રત્યે દયા, કરુણા અને સંવેદનાની ભાવના જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા સમાજમાં સેવા, સંસ્કાર અને માનવતાના મૂલ્યોના સિંચન માટે નિયમિતપણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.









































