રાજ્યમાં હાલમાં ૨૨ જૂન સુધી ચોમાસાની આશા નહીવત્ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધ્યું હોવા છતાં હજી પણ ગુજરાત સુધી પહોંચતા આ આખુ અઠવાડિયુ ખમૈયા કરે તેવી પ્રબળ સંભાવના છે. ગુજરાત તરફ આગળ વધવાની તેની ગતિ હાલમાં ધીમી પડી છે. આના લીધે રાજ્યમાં ગરમી અને ઉકળાટથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. લોકોએ હજી અઠવાડિયા જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે તેમ હવામાન ખાતુ કહે છે. રાજ્યમાં સરેરાશ તાપમાન ૩૯થી ૪૧ ડિગ્રીની વચ્ચે રહેશે. અમદાવાદમાં ૪૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં ૩૮.૬, સુરતમાં ૩૫.૨, રાજકોટમાં ૩૯.૭, અમરેલીમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરમાં સૌથી વધુ ૪૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં હાલમાં ઉપરના વાતાવરણમાં સૂકા અને ગરમ ઉત્તર-પશ્ચિમી પવનો સક્રિય હોવાના કારણે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોને મોટો અવરોધ નડી રહ્યો છે. તેના લીધે રાજ્યમાં ચોમાસાની આગેકૂચમાં વિલંબ સર્જાયો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પ્રતિ કલાક ૫૦થી ૫૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. તેની સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ૨૦થી ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦થી ૪૨ ડિગ્રી સેલ્સીયસની વચ્ચે રહી શકે છે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં કોઈપણ નોંધપાત્ર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના નથી. જા કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
બીજી તરફ હવામાન વિભાગના અનુમાન મુજબ સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદ પડી શકે છે. ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી અસર જાવા મળી શકે છે, પરંતુ ગરમી અને ઉકળાટમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા ઓછી છે.








































