અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ખનીજ ચોરી અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ જીવલેણ હુમલો કર્યો છે. મોડી રાત્રે ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રેતી ભરેલું એક ટ્રેક્ટર જપ્ત કરી પોલીસને સોંપાયું હતું. આ વેર રાખીને ખાંભા-સાવરકુંડલા રોડ પર ટ્રેક્ટર માલિક અને તેના સાથીઓએ ખાણ ખનીજ વિભાગની ખાનગી ગાડીને આંતરી ધોકા, પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર કાનાભાઈ સોલંકી, નલિન બગડા અને સિક્યુરિટી ગાર્ડ મુકેશ જોશી ઘાયલ થયા હતા. મુકેશ જોશીને માથામાં ગંભીર ઈજા થતાં ત્રણ ટાંકા આવ્યા છે. ઘટના અંગે લુવારાના કરણભાઈ સાદુળભાઈ બોરીચા, જયરાજભાઈ વાળા અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સહિત પાંચ સામે ગુનો નોંધાયો છે. સાવરકુંડલાના ઇન્ચાર્જ ડીવાયએસપી વિસ્મય માનસેતાએ હુમલાખોરોને ઝડપી પાડવા અલગ-અલગ પોલીસ ટીમો બનાવી સઘન કાર્યવાહી શરૂ કરી છે.