બેંગલુરુ ખાતે ૧૨ જૂન ૨૦૨૬ના રોજ યોજાયેલી ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF)ની કેન્દ્રીય કારોબારી બેઠકમાં દેશના વીજ ક્ષેત્રમાં ખાનગીકરણ અને વિભાજનને પ્રોત્સાહન આપતી નીતિઓ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. AIPEFના ચેરમેન શૈલેન્દ્ર દુબેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.બેઠકમાં સૂચિત વીજળી (સુધારા) બિલ-૨૦૨૫નો સખત વિરોધ કરી તેને તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. ફેડરેશનના મતે આ બિલ વીજ વિતરણ ક્ષેત્રના ખાનગીકરણને પ્રોત્સાહન આપશે, જેના કારણે સરકારી ડિસ્કોમ્સ નબળા પડશે અને સામાન્ય ગ્રાહકો તેમજ ખેડૂતો પર વધારાના વીજ દરોનો બોજ પડશે. AIPEFએ કર્ણાટકમાં સમાંતર વિતરણ લાયસન્સ, અલગ કૃષિ ડિસ્કોમ્સની રચના, આંધ્રપ્રદેશમાં ડીમ્ડ ડિસ્ટ્રિબ્યુશન લાયસન્સ અને લદ્દાખ પાવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના કોર્પોરેટાઇઝેશનનો પણ વિરોધ નોંધાવ્યો હતો. બેઠકમાં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વીજ કર્મચારીઓ અને એન્જિનિયરોના અધિકારો તથા જાહેર માલિકીની વીજ વ્યવસ્થાના રક્ષણ માટે દેશવ્યાપી સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી GEBEAના પ્રતિનિધિઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.