ટીએમસી બળવાખોર સાંસદ કાકોલી ઘોષે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. કાકોલી ઘોષે ટીએમસી નેતા ઇમરાન ખાન પર ગંભીર આરોપો લગાવ્યા છે. કાકોલીનો આરોપ છે કે ટીએમસી નેતા ઇમરાન ખાન બાંગ્લાદેશી કટ્ટરપંથી સંગઠનો સાથે જાડાયેલા છે. કાકોલીએ મુખ્યમંત્રી શુભેન્દુ અને વિદેશ મંત્રાલય પાસેથી તપાસની માંગ કરી છે.
સાંસદ કાકોલી ઘોષે પોતાના પત્રમાં લખ્યું છે કે જા ઈમરાન ખાન સામેના આરોપો સાચા સાબિત થાય છે, તો તેમની રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વહીવટ અને પડોશી દેશો સાથેના ભારતના સંબંધો પર મોટી અસર પડી શકે છે.
કાકોલી ઘોષે પોતાના પત્રમાં લખ્યું છે કે, “ટીએમસી નેતા ઈમરાન ખાન બાંગ્લાદેશમાં કાર્યરત કેટલાક ઉગ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. જાકે આ અહેવાલોની પુષ્ટિ થઈ નથી, પરંતુ સક્ષમ અધિકારીઓ દ્વારા તેમની યોગ્ય તપાસ થવી જાઈએ. વધુમાં, પશ્ચિમ બંગાળમાં ચિટ-ફંડ કામગીરીમાંથી ભંડોળ પડોશી દેશોમાં લોકશાહી સરકારોને અસ્થિર કરવાના હેતુથી પ્રવૃત્તિઓ માટે વાળવામાં આવ્યું હોઈ શકે છે અથવા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. આવા આરોપોની ગંભીરતાને જાતાં, નિષ્પક્ષ તપાસ જરૂરી છે.” ઈમરાન ખાનને પાછલી પશ્ચિમ બંગાળ સરકારના શાસક પક્ષ (ટીએમસી) ના સમર્થનથી રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા હતા. તેઓ ભૂતપૂર્વ સાંસદ છે.
દરમિયાન, ટીએમસીમાં ગંભીર કટોકટી વચ્ચે, બળવાખોર નેતા કાકોલી ઘોષે ગુરુવારે જણાવ્યું હતું કે ૨૦ સાંસદો બળવાખોર જૂથ સાથે છે અને ઘણા વધુ તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. તેણીએ કહ્યું, “હાલમાં, ૨૦ (ટીએમસી) સાંસદો છે, પરંતુ આ સંખ્યા વધી શકે છે. લોકો અમારી સાથે વાતચીત કરી રહ્યા છે.” કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો હતો કે લગભગ ૨૦ ટીએમસી સાંસદોએ એનડીએને ટેકો આપવાનો નિર્ણય લીધો છે અને લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમના પદની જાણ કરી છે. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ લોકસભામાં પાર્ટીના મુખ્ય દંડક તરીકે રહે છે. આ નિર્ણય સાથી સાંસદો સાથે પરામર્શ કર્યા પછી લેવામાં આવ્યો હતો.









































