‘‘અરે વાહ! આ કડાઈમાં તો રેતી છે! રેતીમાં રમવાની કેવી મજા પડે! મારે પણ રેતીમાં રમવું છે!’’ – કાચની બરણીમાં બંધ ચોખાભાઈ બોલ્યા. આ ચોખાભાઈ એકદમ ધોળા-ધોળા, લાંબા અને પાતળા હતા. એ આખો દિવસ બરણીમાં પડ્‌યા રહે. એમને તો બહાર નીકળી પેલી રેતીમાં રમવું હતું. પણ કરે શું? એક દિવસ ચોખાભાઈની નજર સગડી પર પડી. તેમણે જોયું કે સગડી પર એક મોટી કાળી કડાઈ હતી. એમાં રેતી હતી.
એક વખત કોઈએ આ બરણીનું ઢાંકણું ખોલ્યું. ચોખાભાઈ એ તક ઝડપી લીધી. એ તો ધીમે રહીને કૂદયા અને બરણીમાંથી બહાર નીકળી ગયા. એમને થયું, ‘‘હાશ! હવે રેતીમાં જઈને રમું!’’ એમ વિચારી એ તો ગબડ્‌યા. એ તો ‘ગબડ… ગબડ…’ કરતા જઈને પડ્‌યા રેતીવાળી કડાઈમાં!
ચોખાભાઈ તો ખુશ થઈ ગયા, ‘‘હાશ, હવે રેતીમાં રમવાની મજા પડી જશે. એમણે વિચાર્યું મારા મિત્રો હોત તો હજુય મજા પડત.’’ થોડીવારમાં ચોખાભાઈ કૂદવા લાગ્યા. રેતી ગરમ હતી. જેવી ચોખાભાઈની પીઠ ગરમ રેતીને અડી ચોખાભાઈ કૂદવા લાગ્યા, ‘‘ઓ બાપ રે! આ તો બહુ ગરમ છે! બચાવો, બચાવો!’’ ચોખાભાઈ કડાઈમાં આમ-તેમ ગુલાંટ મારવા લાગ્યા. એમાંય કોઈકે સગડી ચાલુ કરી. રેતી વધુ ગરમ થઈ. રેતીમાં એ વધારે ને વધારે શેકાવા લાગ્યા. ગરમીથી બચવા એ આખી કડાઈમાં આમતેમ કૂદવા લાગ્યા – ‘ધિંગા ચીકા, ધિંગા ચીકા!’
એટલામાં એક જોરદાર ધડાકો થયો! ચોખાભાઈ આખેઆખા ઊંધા વળી ગયા. એમનું પેટ ફૂલીને મોટું-મોટું થઈ ગયું હતું. જે ચોખાભાઈ એકદમ પાતળા હતા, તેના બદલે એ એકદમ જાડાપાડા અને પોચા-પોચા બની ગયા!
ચોખાભાઈએ પોતાના હાથ-પગ જોયા અને બોલ્યા, ‘અરે વાહ! હવે તો હું એકદમ હલકો થઈ ગયો! હવે તો હું હવામાં ઊડી શકું છું!’
એટલામાં કડાઈમાં ઘણા બધા તેના મિત્રો આવ્યા. બધા ગરમ રેતીમાં કૂદાકૂદ કરવા લાગ્યા. થોડીવારમાં બધા ચોખા ફૂલીને જાડાપાડા અને પોચા-પોચા બની ગયા!
હવે એ બની ગયા હતા કુરકુરા મમરાભાઈ!
બધા મમરાભાઈ કડાઈમાંથી સીધા ડિશમાં આવી ગયા અને બોલ્યા, ‘‘જોયું? ગરમીમાં તપીને આપણે કેવા સુપરહીરો બની ગયા!’’ પછી તો એમાં સેવ, ડુંગળી ઉમેરાઈ અને લીંબુ નીચોવ્યું. બાળકો હોંશે હોંશે એમને ‘કુરુમ કુરુમ’ કરતાં ખાઈ ગયા!