બાબરામાં મકાનની બાજુમાં જ નવું મકાન ખરીદવા મુદ્દે કુટુંબીજનોમાં ડખો થયો હતો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. બંને પક્ષોએ સામસામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. સાયબાબેન સામતભાઇ વાઘેલા (ઉ.વ.૨૪)એ સંજયભાઇ મનસુખભાઇ વાઘેલા, સંતોષભાઇ મનસુખભાઇ વાઘેલા, શોભાબેન સંજયભાઇ વાઘેલા, મીનાબેન સંતોષભાઇ વાઘેલા તથા ભાનુબેન મનસુખભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે આરોપીઓના મકાન પાસે નવું મકાન ખરીદ્યુ હતું, જે બાબત તેમને ગમી ન હતી. આથી એકસંપ થઈ લોખંડની પાઇપ, ધારીયું, પથ્થરો જેવા પ્રાણઘાતક હથિયારો સાથે ગેરકાયદે મંડળી રચી તેમને તથા સાક્ષીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત તેમના વાળ પકડી પછાડી દઇ, તેમને તથા સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ સામે પક્ષે સંજયભાઇ મનસુખભાઇ વાઘેલા (ઉ.વ. ૨૪)એ બટુકભાઇ ભાણાભાઇ વાઘેલા, સામતભાઇ બટુકભાઇ વાઘેલા, સાયબાબેન સામતભાઇ વાઘેલા તથા દેવાયતભાઇ બટુકભાઇ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ફરિયાદી તથા આરોપીઓ કુટુંબીઓ થતા હતા. સાયબાબેન વગેરેએ તેમના ઘર પાસે નવું મકાન ખરીદ્યું હોવાથી તેમની તથા આરોપીઓની મહિલાઓ અંદરોઅંદર માથાકૂટ કરતી હતી. આરોપીઓએ તેમને કહેલ કે, “તારા લીધે જ આ માથાકૂટ થાય છે”, તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકાપાટુનો માર મારી પછાડી દીધા હતા તેમજ વાળ પકડી બે ઝાપટ મારી હતી. ઉપરાંત લોખંડની પાઇપ વડે જમણા હાથે ફટકો મારી, જમણા હાથની ટચલી આંગળીએ ફ્રેક્ચર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એમ. ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.










































