અમરેલીમાં ૮ જૂન ૨૦૨૬ના રોજ નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સ્કૂલ અંતર્ગત વિવિધ શાળાઓમાં ભવ્ય પ્રવેશોત્સવ યોજાયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં બાલમંદિરથી ધોરણ-૧૨ સુધીના ૬૦૦૦થી વધુ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને પ્રાર્થના સાથે હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રમુખ વસંતભાઈ ગજેરાના વિચારોને અનુરૂપ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સુરક્ષા અને સંસ્કાર સિંચન માટે કેમ્પસમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. બાળકોના મનોરંજન માટે મિકી માઉસ, પાન્ડા જેવા કાર્ટૂન પાત્રો, સેલ્ફી પોઈન્ટ અને આકર્ષક સજાવટ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાલીઓને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સહયોગ આપવા આહવાન કરાયું હતું. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, મંત્રીઓ, કેમ્પસ ડાયરેક્ટર, પ્રિન્સિપાલ અને શૈક્ષણિક સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.









































