બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે ચાલી રહેલી પુલની કામગીરી પૂર્ણ થતાં વાહન વ્યવહાર માટે માર્ગ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, વાહનોની અવરજવર શરૂ થતાં જ કામગીરીની ગુણવત્તા અને ડિઝાઇન અંગે પ્રશ્નો ઊભા થયા છે. એક લક્ઝરી બસ પુલ પર ચડતી વખતે તેનો પાછળનો ભાગ રોડને અડી જતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને રોષની લાગણી જોવા મળી રહી છે.
સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પુલની કામગીરી દરમિયાન યોગ્ય ટેકનિકલ માપદંડો અને વાહન વ્યવહારની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી હતી કે નહીં. લોકોમાં જવાબદાર તંત્ર અને સંબંધિત એન્જિનિયરો સામે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં લેવા માંગ ઉઠી છે. સ્થાનિકો કહે છે કે, ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ તંત્ર દ્વારા આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.










































