અમરેલીના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને પદાધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં નરેન્દ્રભાઈ મોદીની અવિરત ૧૨ વર્ષની વડાપ્રધાન તરીકે સફળ સેવાની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોદી સરકારની વિવિધ સિધ્ધિઓની ઉજવણી માટે ૨૨ જુન સુધી વિવિઝ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેના ઇન્ચાર્જ તરીકે જીલ્લા ભાજપના ઉપપ્રમુખ મેહુલ ધોરાજીયા તેમજ સહ ઇન્ચાર્જ તરીકે રવુભાઇ ખુમાણ, દિવ્યેશ વેકરીયા, અરવિંદ ચાવડા તથા મહેશ જાવિયાને જવાબદારી સોપવામાં આવી છે. પાર્ટીની વિશેષ ઓળખ એટલે શિસ્ત, સેવા, સંગઠન અને રાષ્ટ્રપ્રેમના પાઠ ભણાવતા પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાશે. ૨૨ જુન થી ૧૦ જુલાઈ સુધીમાં મંડલ કક્ષાએ અપેક્ષિત કાર્યકરોના પ્રશિક્ષણ વર્ગ યોજાશે. જેના ઇન્ચાર્જ તરીકે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદ પંડ્યા તેમજ સહ ઇન્ચાર્જ તરીકે રાજુભાઈ ભૂતૈયા, પી.વી. વસાણી, મનોજ મહીડા તથા રમાબેન હીરપરાની નિમણુક કરવામાં આવી છે.પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગમાં સાત વિષયો શિખવવામાં આવશે, જેના વક્તા તરીકે જીલ્લા ભાજપના ૪૮ સિનિયર અગ્રણીઓની જવાબદારી સોંપાઇ છે, તેની સૌરાષ્ટ્ર ઝોન કાર્યશાળા જુનાગઢ ખાતે યોજાશે. આ બેઠકમાં અતુલભાઈ કાનાણીએ જીલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયાનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકારીયાને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી.










































