અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાના ભાગરૂપે બહાર પાડવામાં આવેલા જાહેરનામાની ઐસીતૈસી કરતી બે આંગડિયા પેઢીઓ સામે લીલીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આંગડિયા પેઢીઓમાં સુરક્ષા માટે અનિવાર્ય એવા ઝ્રઝ્ર્‌ફ કેમેરા અને તેના બેકઅપ અંગેના નિયમોનો ભંગ કરવા બદલ બે સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.લીલીયામાં આવેલી ‘પટેલ મહેન્દ્ર અરવિંદ’ નામની આંગડિયા પેઢીમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું. આ પેઢીના સંચાલક દિનેશભાઇ નાનુભાઇ રાઠોડ (ઉં.વ.૪૫, રહે. ઢસા ગામ, શિવધારા સોસાયટી, ભાવનગર રોડ, તા. ગઢડા, જી. બોટાદ) એ પોતાની પેઢીમાં સીસીટીવી કેમેરા તો લગાવ્યા હતા, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર રાખવું જરૂરી એવું ૩૦ દિવસનું વીડિયો બેકઅપ રાખ્યું ન હતું. આવો જ બીજો કિસ્સો ‘ગુજરાત’ નામની આંગડિયા પેઢીમાં સામે આવ્યો હતો. આ પેઢીના સંચાલક મહેશભાઇ માધવલાલ પ્રજાપતી (ઉં.વ. ૩૯, રહે. હિરામોતી ચોક, ધરતી મોલની સામે, અમરેલી) એ પોતાની આંગડિયા પેઢીમાં કેમેરા તો લગાવ્યા હતા, પરંતુ તેનું લાઇવ કે રેકોર્ડેડ ફૂટેજ જોવા માટે કોઈ મોનિટર (સ્ક્રીન) જ રાખ્યું ન હતું. આ ઉપરાંત, આ પેઢીમાં પણ નિયમ મુજબનું ૩૦ દિવસનું સીસીટીવી બેકઅપ મળી આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે નાણાકીય હેરફેર કરતી આંગડિયા પેઢીઓની સુરક્ષા માટે સીસીટીવી અને તેનું ૩૦ દિવસનું રેર્કોડિંગ રાખવું કાયદાકીય રીતે ફરજિયાત છે, જેમાં ચૂક થતાં પોલીસે આ કડક વલણ અપનાવ્યું હતું.