મહીસાગર જિલ્લામાં કેન્દ્ર સરકારની ‘નળ સે જલ’ યોજનામાં આચરેલા આશરે ૧૨૩ કરોડ રૂપિયાના બહુચર્ચિત કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા મનહર પટેલની તેના નિવાસસ્થાન ‘રામ પટેલના મુવાડા’ ખાતેથી ધરપકડ કરી હતી.

સરકારી તપાસ મુજબ મહીસાગર જિલ્લાના કુલ ૭૧૪ ગામોમાંથી ૬૨૦ ગામોમાં આ યોજના હેઠળ વ્યાપક ગેરરીતિઓ આચરી છે. પકડાયેલા આરોપી મનહર પટેલે આંબા, સરસવા અને માલવણ ગામોમાં મસમમોટી ગેરરીતિઓ કરી જનતાના નાણાંનો દુરુપયોગ કર્યો છે. બીજા એક આરોપીમાં નવીન ભરવાડ જે સરવરીયા ગામ પાસેથી પકડાયા હતા. તેમની ૩૦ લાખની રીકવરી છે તેઓએ ગામ ફેલસાણી, ખાંડીવાવ, ઓથવાડ, વડદલા ગામોમાં નલ સે જલના કામો પુરા કર્યા નથી.

આ ઉપરાંત અન્ય એક આરોપીમાં પ્રદીપકુમાર કાંતિલાલ શેઠ તેઓએ ગામ સરસવા, માલવણ, આસુંદરીયા, બોર, બાર, ભાનજીની વાવ, રોઝાવ, ખાટા, ઘાટડા, ગોપાલપુરા, જાધપુર, વડાઝાંપા, રતનકુવા ગામના કામો પુરા કર્યા નથી. આ અંગે વાસ્મોના તત્કાલીન યુનિટ મેનેજર ગિરીશ અગોલા દ્વારા ૨૨મી જૂનના રોજ બરોડા સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદના આધારે ચાલી રહેલી તપાસમાં અત્યાર સુધીમાં વાસ્મોના ૫ કર્મચારી, ૨૨મી ઠેકેદાર (કોન્ટ્રાક્ટર), ખાતામાં નાણાં મેળવનાર ૪ આરોપી અને ૩ પાણી સમિતિના સરપંચો સહિત કુલ ૩૪ આરોપીની ધરપકડ કરી ચૂકી છે. આ કૌભાંડમાં અન્ય ૬ મોટા નેતાઓનો સંડોવણી હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જેને પગલે સીઆઇડી ક્રાઇમ આ મામલે હજુ પણ તપાસ ચલાવી રહી છે.