એક તરફ, ગુજરાત સરકાર વિકાસના ઉત્સવો ઉજવવામાં મશગૂલ છે ત્યારે બીજી તરફ, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આર્થિક સ્થિતિ વેન્ટીલેટર પર આવી ગઈ છે. દેવું કરીને ઘી પીવાની સરકારી નીતિને લીધે આજે ગુજરાતની ૧૫૨ પાલિકાઓ દેવાના ડુંગર તળે દબાઈ ચૂકી છે. સ્થિતિ તો એટલી હદે વણસી છે કે, પ્રજાને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતી નગરપાલિકાઓનું રૂ. ૧૪૮ કરોડનું પાણીનું બિલ બાકી બોલે છે. આ આંકડો જ સાબિત કરે છે કે, સરકારી તિજારી તળિયા ઝાટક થઈ છે અને કહેવાતો વિકાસ માત્ર કાગળ પર જ ચમકી રહ્યો છે.

મોભાદાર ગણાતી મોટાભાગની નગરપાલિકાઓએ પાણીના બિલ ચૂકવવા માટે ખુદ સરકારે લોન આપવી પડી છે. લોન લેતી વખતે સરકારે ખાસ તાકીદ કરી હતી પરંતુ વાસ્તવિકતા એ છે કે, ઘણી પાલિકાઓએ હજુ સુધી લોનનો એક પણ હપ્તો ભર્યો નથી. મફતનું મેળવીને જલસા કરવાની આ રાજકીય માનસિકતાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આઈસીયુમાં ધકેલી દીધી છે. ખાલી તિજારીએ વહીવટ કરવો હવે અધિકારીઓ માટે લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે.

સરકારની બેવડી નીતિનો પર્દાફાશ એ વાતથી થાય છે કે જ્યાં સુધી ચૂંટણીઓ ચાલતી હતી, ત્યાં સુધી જનતાને રાજી રાખવા માટે સરકારે મૌન ધારણ કર્યું હતું. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પતી અને વોટબેંકનું રાજકારણ સેટ થયું, એટલે તરત જ સરકારે આકરા આદેશો છૂટા કર્યા છે કે, ‘હવે જનતા પાસેથી કડક ઉઘરાણી શરૂ કરો!’ તેનું કારણ એ છે કે, ભાજપના શાસકો સત્તા તો મેળવી લીધી પણ હવે ખાલી તિજારીએ વહીવટ કરવો અઘરો થયો છે. વાહવાહી લૂંટવામાં મોખરે રહેતી સરકારે હવે નગરપાલિકાઓને અપાતી વિકાસની ગ્રાન્ટોમાં સરકારે કાતર ફેરવવાનું શરૂ કરી દીધું છે.

કલ્યાણકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓ માટે જે બજેટ ફાળવવાનું હતું, તેમાં ધરખમ કાપ મુકાઈ રહ્યો છે, સવાલ એ થાય છે કે જો ગ્રાન્ટો જ કાપી નાખવામાં આવશે, તો ચોમાસામાં તૂટેલા રસ્તા, સ્ટ્રીટ લાઈટો કે ગટર સહિતની સુવિધાઓ કયા પૈસાથી ઠીક થશે ? ૧૪૮ કરોડનું પાણીનું બિલ બાકી હોવું એ કોઈ સામાન્ય બાબત નથી. આ વહીવટી નિષ્ફળતાની પરાકાષ્ઠા છે. એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીના બણગાં ફૂંકાય છે અને બીજી તરફ નગરપાલિકાઓ પાસે પાણીનું બિલ ચૂકવવાના નાણાં નથી. સરકારી ઉત્સવો પાછળ પાણીની જેમ પૈસા વહાવતી સરકાર પોતાની જ પાલિકાઓને આત્મનિર્ભર બનાવવામાં નિષ્ફળ નીવડી છે.

વહીવટ રામભરોસે ચાલતો હોય તેવી નગરપાલિકાઓની આ આર્થિક સ્થિતિ કથળી છે. ૧૫૧ નગરપાલિકાઓને કરોડોની ગ્રાન્ટ આપ્યા પછી પણ વિકાસ જાણે ખોવાઈ ગયો છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ છે ત્યારે સરકાર વેરા વસૂલાત ઝુંબેશના નામે પ્રજા પર તૂટી પડવા તૈયાર થઈ છે. સ્થાનિક નેતાઓ અને તંત્રની ઢીલી નીતિને કારણે ટેક્સ ઉઘરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર હવે વધારાના સક્ષમ અધિકારીની ફોજ ઉતારશે. હવે સરકારે વેરા ઉઘરાણીનું મોનિટરિંગ કરશે અને કાયદાનો ડર બતાવીને વેપારીઓ-નાગરિકો પાસેથી પૈસા કઢાવશે. ગુનેગારો ભલે છૂટા ફરે, પણ ટેક્સ ન ભરનાર નાગરિક સામે તો કાયદાકીય હથિયાર ઉગામવા પણ તૈયાર છે.