રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના વિકાસ અને જળસંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત ચીખલી ગામમાં ચોમાસા દરમિયાન પૂરના પાણીથી રક્ષણ મેળવવા માટે રૂ. ૪૯.૯૬ લાખના ખર્ચે પૂર સંરક્ષણ દીવાલનું નિર્માણ કરવામાં આવશે. આ દીવાલ બનવાથી વરસાદી ઋતુમાં પાણીના વહેણથી થતું નુકસાન અટકશે અને સમગ્ર ગામની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે. આ ઉપરાંત વિસ્તારના ભેસાણીયા ડેમના પુનઃસ્થાપન અને મજબૂતીકરણ માટે રૂ. ૩૩.૨૦ લાખ મંજૂર કરાયા છે, જેનાથી ડેમની જળસંગ્રહ ક્ષમતા વધશે અને સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. આ બંને વિકાસલક્ષી કાર્યોની મંજૂરી મળતાં જ ચીખલી ગામ સહિત આસપાસના પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ યોજનાઓ પૂર્ણ થવાથી સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોને સીધો આર્થિક અને સામાજિક લાભ મળશે. ગ્રામ્ય સ્તરે માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાના સરકારના આ અભિગમને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ બિરદાવ્યો હતો.








































