બાબરાના ચમારડી ગામે આરોગ્ય સબ-સેન્ટરના
બાબરા તાલુકાના ચમારડી ગામમાં નિર્માણ પામેલા આરોગ્ય સબ-સેન્ટરના નબળા બાંધકામ બદલ જવાબદાર એન્જિનિયરને શા કાઝ નોટિસ ફટકારવામાં આવી છે. ગામના સરપંચ દ્વારા બાંધકામમાં રહેલી ગંભીર ક્ષતિઓ અંગે પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ત્વરિત કાર્યવાહીના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન બાંધકામની ગુણવત્તા ખરેખર નબળી હોવાનું સાબિત થતાં ફરજમાં બેદરકારી બદલ એન્જિનિયર સામે આ કડક પગલું લેવાયું છે. આ મામલે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે પ્રજાના કલ્યાણ અને આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ભવનોના નિર્માણમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ભ્રષ્ટાચાર કે ગુણવત્તા સાથેની બાંધછોડ ચલાવી લેવાશે નહીં. સરકાર વિકાસકામોમાં ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહી છે. તેમણે ઉચ્ચ અધિકારીઓને સમગ્ર બાંધકામની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને ક્ષતિવાળો ભાગ નિયત ધોરણો મુજબ નવેસરથી તૈયાર કરાવવા કડક આદેશ આપ્યા છે.








































