રાખનાં રમકડાં
‘‘સમારું… બસ…! પરંતુ હવે તું મારું કહ્યું માન, જ્યોતિને તું સાવ ભૂલી જા. હું નોકરીએ લાગ્યો ત્યારથી વિસાવદરમાં રહું છું ને જ્યોતિ વિશે મેં થોડી-ઘણી માહિતી મેળવી પણ છે. બારીકાઈથી તપાસ પણ કરી છે. તેના અતિ કિંમતી બંગલાને મેં મારી નજરે જોયો પણ છે. જો તું સાવ સાચી હકીકત જાણવા માગતો હો તો હું તને કહેવા માટે તૈયાર છું…’’
‘‘મારો સાચો અને ગાઢ મિત્ર થઈને પણ તું આવું પૂછે છે ? જ્યોતિ વિશે તેં જે કંઈ પણ જાણ્યું હોય તે અત્યારે જ કહી દે. મને કંઈકનું કંઈ થાય છે, ઝડપથી કહે… દામાએ ઉતાવળે કહ્યું એટલે તરત રણમલે વાત કરીઃ ’’જ્યોતિનો પતિ જંગલ ખાતાનો ઓફિસર, આ તો તને ખબર જ હશે… બરાબર ને ?’’
‘‘હા, એ મને ખબર છે. એ તો મને જ્યોતિએ જ કહ્યું હતું.’’ દામા બોલ્યો.
‘‘તો… એ વિજય સાવલિયા જંગલ ખાતાનો ઓફિસર એટલે કે આર.એફ.ઓ હતો. મારી આ વાત બરોબર સમજજે, એ ઓફિસર હતો, પરંતુ હાલમાં એ ઓફિસર નથી. મારું કહેવું તું સમજ્યો ને ? ન સમજણ પડી હોય તો હવે હું ચોખવટ કરીને કહું છું કે, તેને તેના જંગલ ખાતાએ ડિસમિસ કરી દીધો છે. હાલમાં તે ઘરે બેઠો છે અને મોટા બંગલામાં આમતેમ ફાંફા મારે છે. આવું ક્યાં કારણે થયું ? કેમ થયું ? તને કંઈ ખબર છે…?’’
‘‘ના…, મને ક્યાંથી ખબર હોય ? તને તો ખબર જ છે એટલે તું કહે…’’ દામાએ ઉત્સુકતાથી કહ્યું એટલે રણમલે હવે વાત કરવી શરૂ કરી:
‘‘તો સાંભળ:એ વિજય સાવલિયા અત્યારે અત્યંત દયનીય હાલતમાં જીવી રહ્યો છે. બસ… તે ચોવીસ કલાક દારૂના નશામાં પડ્‌યો રહે છે. આ દારૂની લતને કારણે તેણે તેની નોકરી ગુમાવી દીધી છે. તે પણ અત્યારે તે ફૂલ નશામાં જ રહે છે. હવે તેની પત્ની, તેની ઘરવાળી એટલે કે તારી કહેવાયેલી પ્રેમિકા જ્યોતિ સાવલિયા આવા દારૂડિયા, નશાખોર ધણીથી ખૂબ ખૂબ રિબાઈ રહી છે, મૂંઝાઈ રહી છે અને અકળાઈ પણ રહી છે.
પરંતુ એક અબળા શું કરે ? બિચારી જ્યોતિની સારી એવી સરકારી શિક્ષકની નોકરી પણ આ યશેડીએ તેની જિદ્દ માત્રથી છૂટાવી દીધી. હા, જ્યોતિએ કંઈ એમ જ નોકરી નથી છોડી દીધી. તેમાં પણ આ ભાઈની આખરી જિદ્દ અને અજીબ પ્રકારની ધમકી પણ હતી. હાલમાં અત્યારે બંને સરકારી નોકરી વગરના થઈ ગયા છે…
‘‘બસ…, વિજયમાં એક માત્ર સારો ગુણ એ હતો કે, પીધા પછી પણ તે ક્યારેય જ્યોતિને માર મારતો નહીં, બસ… આ તેનામાં મોટામાં મોટો ગુણ. ખૂબ દારૂ પીધા પછી બહુ થાય તો તે ખૂબ ખૂબ રડતો. ને આવા સમયે પણ જ્યોતિ તેને પ્રેમથી સાચવી લે છે. હું અહીં આવ્યો તેના બે દિવસ અગાઉ જ આ વિજય સાહેબે તેની બાપુડી પચાસ લીધા જમીન વેંચી નાખી છે. કારણ કે ઘર હોય અને આવું મોંઘું વ્યસન હોવાથી આખરે બોટલના રૂપિયા લાવવા ક્યાંથી ? બીજું આપે પણ કોણ ? હવે જમીન વહેંચી છે એટલે રૂપિયાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. દારૂની બોટલ કંઈ મફતમાં તો નથી જ મળતી, અને અત્યારે જમીનના આવેલા રૂપિયા પણ વપરાવા લાગ્યા છે.
’’તમને તો એમ થતું હશે કે રણમલને આવી બધી ખબર ક્યાંથી મળી હશે ? તો એ પણ સાંભળો ઃ વિજય સાવલિયાને વિસાવદરમાં મોટો કિંમતી બંગલો છે, રજવાડામાં હોય તેવો… રાજમહેલ ! જે આખા વિસાવદરમાં પ્રખ્યાત છે. આ બંગલાની બરાબર સામે ક્રિષ્ના પેટ્રોલ પંપ આવેલો છે. બંગલા અને પંપ વચ્ચે માત્ર હાઈ-વે છે. હવે આ પેટ્રોલ પંપ પર મારે અવારનવાર ચેકિંગ કરવા જવાનું હોય છે. એટલે તો આ પંપના માલિક સાથે મારે મિત્રતા થઈ ગઈ છે. એકવાર વાત વાતમાં મેં તેમને પૂછ્યું કે શેઠ… આ સામેનો બંગલો કેટલો સરસ છે, રાજમહેલ જ જોઈ લો. આ બંગલો કોનો છે ? તો એ શેઠે મને બંગલો ઈ તો ઠીક પણ આ બંગલામાં રહેતી હરેક વ્યક્તિ વિશેની રજેરજ માહિતી આપી. બધી મોટી હિસ્ટ્રી સંભળાવી હતી.
‘‘ જો કે મેં હજી સુધી વિજય સાવલિયાને જોયો તો નથી જ. અને જાણવા મળ્યું છે કે, તે તો રાત-દિવસ બસ મોજમાં એટલે કે દારૂના નશામાં જ રહે છે. અને આ વિજય સાવલિયા જવલ્લે જ ક્યારેક જ બંગલામાંથી બહાર નીકળે છે. એકાદ મહિના પહેલાં જ્યારે તેણે તેની જમીન વહેંચી હતી તે વખતે તે આ પેટ્રોલ પંપ પર થોડીવાર માટે ઊભો રહ્યો હતો, બસ… (ક્રમશઃ)