રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા ઉંટવડ ગામ નજીક ભરડીયાના ખુલ્લા ગ્રાઉન્ડમાં સુતેલા ૩૭ વર્ષીય યુવક પર ટેન્કરનું ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ અંગે અમરેલીના વરસડા ગામના રહેવાસી હિતેષભાઇ ધીરૂભાઇ ગોહિલ (ઉ.વ.૩૯)એ જાહેર કર્યા મુજબ, મિતેષભાઇ ઉર્ફે લાખાભાઇ ધીરૂભાઇ ગોહિલ (ઉં.વ. ૩૭) ગત રોજ ઉંટવડ ગામે આવ્યા હતા. રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા દિગ્વિજયભાઇ દાનકુભાઇ વાળાના ‘મોગલકૃપા’ નામના ભરડીયાના ગ્રાઉન્ડમાં તેઓ રાત્રિના સમયે જમીન પર ગાદલું નાખીને ખુલ્લામાં સુતા હતા. રાત્રિના આશરે એકાદ વાગ્યાના અરસામાં ગ્રાઉન્ડમાં પાર્ક કરવા અથવા પસાર થવા દરમિયાન ટેન્કરના ચાલકે પોતાનું વાહન અંધારામાં ખુલ્લા ગ્રાઉન્ડમાં સુતેલા મિતેષભાઇ પર ચડાવી દીધું હતું. ટેન્કરનું ટાયર મિતેષભાઇના શરીર પરથી ફરી વળતાં તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જે બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો.
બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભાવિકભાઈ લાલજીભાઈ ખેર વધુ તપાસ કરી રહ્યા છે.









































