શરદ પવારની પૌત્રી લાખાણી પરિવાર માટે દુલ્હન બનવાની છે. રેવતી સુલે અને ભાજપ નેતા અરુણ લાખાણીના પુત્ર સારંગના લગ્ન રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની રહ્યા છે. લાખાણી પરિવાર લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ સાથે સંકળાયેલો છે. રેવતી અને સારંગના સંબંધો બંને પરિવારો, તેમજ એનસીપી અને ભાજપ આરએસએસને નજીક લાવશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે.
શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉતે વારંવાર બંને પરિવારો વચ્ચે વધતી જતી નિકટતાની ટીકા કરી છે, ખાસ કરીને આગામી ચૂંટણીઓ માટે ભાજપની એમએલસી ઉમેદવારોની યાદીમાં અરુણ લાખાણીનું નામ સામેલ થયા પછી. લાખાણી વર્ધા-ચંદ્રપુર-ગઢચિરોલીથી ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના આ બે અગ્રણી પરિવારો વચ્ચેના જાડાણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તે બંને નાગપુરના છે અને લાખાણી અને પવાર પરિવારો સાથે લાંબા સમયથી સંબંધો ધરાવે છે.
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુરના રહેવાસી એમટેક અરુણ લાખાણી, એક એવા પરિવારમાંથી આવે છે જે આરએસએસ પરંપરાઓમાં ઊંડા મૂળ ધરાવે છે. તેમના પિતાએ ૧૯૩૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમટેકની ડિગ્રી મેળવી હતી અને તેઓ ઇજીજી સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા, જ્યારે તેમના મોટા ભાઈ હાલમાં મલકાપુરના સંઘચાલક છે. અરુણ લાખાણી ૧૯૯૯થી ભાજપ સાથે જાડાયેલા છે અને હાલમાં તેઓ ભાજપના મહારાષ્ટ્ર એકમના સંયુક્ત ખજાનચીનું પદ ધરાવે છે, આ પદ તેમણે ડિસેમ્બર ૨૦૨૩માં સંભાળ્યું હતું.
રાજકારણથી આગળ વધીને, અરુણ લાખાણીએ રમતગમત વહીવટમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેઓ ૨૦૧૪થી મહારાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ, ૨૦૧૬થી બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડીયાના ઉપપ્રમુખ અને ૨૦૨૨થી રાષ્ટ્રીય સંસ્થાના ખજાનચી રહ્યા છે. તેમને ૨૦૨૬માં મહારાષ્ટ્ર ઓલિમ્પીક એસોસિએશનના ખજાનચી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભાજપ દ્વારા ઉમેદવારના નામાંકન અંગેના પ્રશ્નો વચ્ચે, અરુણ લાખાણીએ જણાવ્યું હતું કે તેમના નામાંકનમાં કંઈ અસામાન્ય નથી, તેમણે કહ્યું હતું કે રાજકારણ અને કૌટુંબિક સંબંધો અલગ બાબતો છે. સારંગ અને રેવતીના લગ્ન ૨૦ જૂને થવાના હતા. ભાજપના ઉમેદવાર તરીકે નામાંકિત થયા પછી, અરુણ લાખાણીએ એક મરાઠી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, “સુપ્રિયા તાઈએ મને અભિનંદન સંદેશ મોકલ્યો હતો. પવાર પરિવારનો ઉલ્લેખ સ્વાભાવિક છે, કારણ કે તે એક મોટો રાજકીય પરિવાર છે અને અમે સગા છીએ. મને તેમાં કંઈ અસામાન્ય લાગતું નથી.”
જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમના રાજકીય જાડાણ અને પવાર પરિવાર સાથેના કૌટુંબિક સંબંધો એક અનોખા સમીકરણ બનાવે છે, ત્યારે અરુણ લાખાણીએ કહ્યું કે રાજકારણ અલગ છે અને બંને પક્ષો પોતપોતાની વિચારધારાઓ પ્રત્યે પ્રતિબદ્ધ છે.







































