બધા ચોર ભેગા થયા છે, આ શબ્દો છે હિંમતનગર નગરપાલિકાના સિનિયર ગોવિંદસિંહ રાઠોડના. તેમણે પક્ષના જ મહામંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પર આ પ્રકારનો સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે. તેમનો દાવો છે કે સ્થાનિક ધારાસભ્ય અને પક્ષના મહામંત્રી બિપિન ઓઝાએ ભેગા મળીને ભાજપને ખાડામાં ઉતારવાનું કામ કર્યુ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાઓને અને ભાજપના કાર્યકર ન હોય તેવા સગાસંબંધીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપીને પક્ષ માટે વર્ષોથી કામગીરી કરનારાઓની અવગણના કરી છે. ભાજપમાં વર્ષોથી કામ કરનારા સ્થાનિક કાર્યકરોને સાવ કોરાણે મૂકી દેવાયા છે.
તેમણે કોર્પોરેટરોની સભામાં હોબાળો મચાવ્યો હતો અને પક્ષના જ કાર્યકરોની અવગણના સામે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હિંમતનગર પાલિકામાં ટિકિટ વહેંચણીમાં મોટાપાયા પર વહીવટ થઈ ગયો છે. ચૂંટાયેલો દરેક કોર્પોરેટર ફક્ત કોર્પોરેટર નથી પણ સ્થાનિક ધારાસભ્ય અને મહામંત્રી બિપિન ઓઝાનો પેટા કોન્ટ્રાક્ટર છે, તે ભાજપના કાર્યકરની જેમ પ્રજાની સેવા નહીં કરે, પરંતુ હપ્તા વસૂલી જ કરશે. આ બધા હિંમતનગરનું નિકંદન કાઢવા અને પ્રજાના ખિસ્સા ખાલી કરવા ભેગા થયા છે, લૂંટારુઓ અને પીંઢારાઓની ફોજ હિંમતનગરની નગરપાલિકામાં શાસન કરવા બેઠી છે. તેમણે ફક્ત હોબાળો જ નથી મચાવ્યો, પરંતુ પક્ષના પાયાના કાર્યકરોની અવગણના સામે ગૃહપ્રધાન અમિત શાહને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસ મુક્ત કરવા નીકળેલું ભાજપ કોંગ્રેસયુક્ત થઈ ગયું હોવાનો આક્ષેપ કર્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક પક્ષની બહુમતી હોવા છતાં આંતરિક વિવાદ વકર્યો છે. હિંમતનગર નગરપાલિકાના સિનિયર કોર્પોરેટ સામાન્ય સભામાં હોબાળા બાદ પત્ર લખ્યો છે. સિનિયર કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંબોધીને પત્ર લખ્યો છે. પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.ગાંધીનગર સમાચાર અપડેટ
ક્ષત્રિય સમાજના અગ્રણી અને શહેરના સિનિયર આગેવાનના બળાપાને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ઉપરાંત ૧૪ કોર્પોરેટરોને આપેલી ટિકિટોને લઈને પણ પત્રમાં બળાપો વ્યક્ત કરવામાં આવ્યો હતો. જૂથબંધી કરીને ટિકિટો ફાળવવામાં આવી હોવાના આક્ષેપો પત્રમાં કરવામાં આવ્યા હતા. સંગઠનના પદાધિકારીઓએ સામે પણ સાંઠગાંઠના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સિનિયર કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે સામાન્ય સભામાં પણ ખુલ્લો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેની સાથે પાલિકાઓની સમિતિઓની ફાળવણીમાં પણ અન્યાય કર્યાનો આક્ષેપ કર્યો હતો.







































