રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે અમદાવાદ, રાજકોટ અને સુરતની વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપીને શહેરી વિકાસને નવી દિશા આપી છે. જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન અને આંબાવાડી વિસ્તારની ટીપી સ્કીમોને અંતિમ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે વિરોચનનગર-ખોરજ વિસ્તારની ટીપી સ્કીમને નામંજૂર કરવામાં આવી છે.
સરકારના નિર્ણય અનુસાર મંજૂર કરાયેલી તમામ ટીપી સ્કીમોના નકશા, દસ્તાવેજા અને રીડિસ્ટ્રીબ્યુશન સ્ટેટમેન્ટ જાહેર નિરીક્ષણ માટે ઉપલબ્ધ રહેશે. નાગરિકો સંબંધિત સત્તામંડળની કચેરીઓમાં કાર્યકારી દિવસો દરમિયાન આ દસ્તાવેજાનું નિરીક્ષણ કરી શકશે.
અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન (ચોથી ફેરફારિત) ટીપી સ્કીમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. ફાઈનલ પ્લોટોના વિસ્તાર અને ઉપયોગ અંગે સુધારા કરાયા છે, જેને અનુરૂપ અધિકૃત દસ્તાવેજામાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવશે.
આંબાવાડી ટીપી સ્કીમમાં સામાજિક સુવિધાઓ માટે વિશેષ જમીન અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની વધતી વસતિ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જાહેર ઉપયોગની સુવિધાઓ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ રહે તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.
બીજી તરફ, વિરોચનનગર-ખોરજ વિસ્તારની ટીપી સ્કીમને મંજૂરી મળી નથી. પરિણામે આ વિસ્તાર માટે નવી દરખાસ્ત અથવા સુધારેલી યોજના રજૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રજૂ કરાયેલી ઘંટેશ્વર-પરાપીપળિયા વિસ્તારની પ્રાથમિક ટીપી સ્કીમ નં. ૩૬/૩ને પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. સ્કીમ અંતર્ગત કેટલાક પ્લોટોને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પા‹કગ અને જાહેર ઉપયોગની સુવિધાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ નિર્ણયથી વિસ્તારમાં આયોજનબદ્ધ વિકાસ અને આધુનિક સુવિધાઓના નિર્માણને વેગ મળશે.
સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ટીપી સ્કીમ નં. ૪૭ (ખોલવડ-ભાડા)માં રાજ્ય સરકારે સુધારા જાહેર કર્યા છે. કેટલાક ફાઈનલ પ્લોટના ક્ષેત્રફળ અને ઉપયોગ સંબંધિત વિગતોમાં ફેરફારો કરવામાં આવ્યા છે તેમજ કેટલાક ક્રમાંકો રદ કરવામાં આવ્યા છે. નવા સુધારાઓને અનુરૂપ તમામ દસ્તાવેજા અને નકશાઓમાં જરૂરી ફેરફારો અમલમાં મૂકવામાં આવશે.
શહેરી વિકાસ વિભાગના આ નિર્ણયોથી અમદાવાદ, રાજકોટ અને સુરતના વિવિધ વિસ્તારોમાં માર્ગો, જાહેર સુવિધાઓ, ખુલ્લી જગ્યાઓ અને આધુનિક શહેરી માળખાના વિકાસને વધુ ગતિ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.