વ્યારા તાલુકા પંચાયતમાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યા હતા કે, કોંગ્રેસના ત્રણ સભ્યોને સુરત ગ્રામીણ પોલીસે અટકાવી યેનકેન પ્રકારે હેરાન કર્યા હતા.બાદમાં ડો તુષાર ચૌધરી તેમની કારમાં ત્રણેય સભ્યોને વ્યારા લઈ આવ્યા બાદ ચૂંટણી યોજાઈ હતી.જેમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા.તો બીજી તરફ ભાજપના પ્રભારી ને આ મામલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની આ જૂની પધ્ધતિ છે અમે આવા કાવાદાવા માં માનતા નથી.
આંકલાવ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજે યોજાતા જેમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ ૧૩ વિરુદ્ધ ૭ માટે બહુમતીથી ચૂંટાઈ આવતા કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખી છે. આંકલાવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં માં કોંગ્રેસના ૧૩ અને ભાજપના ૭ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા, જેથી કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ ની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો રજૂ કરતા આજે ચૂંટણી યોજવામાં આવી હતી જેમા પ્રમુખ પદે સોનલબેન રાકેશભાઈ પઢીયાર અને ઉપપ્રમુખ પદે કનુભાઈ શિવાભાઈ ઠાકોર ૭ વિરુદ્ધ ૧૩ મતે ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટાઈ આવેલા પ્રમુખ અને ઉપપ્રમુખને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ભાજપના સાંસદ જાહેર મંચ પરથી ધમકી આપતા હતા કે કોંગ્રેસનો એક પણ સભ્ય ચૂંટાશે તો એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીયે પણ આંકલાવની જનતાએ ધમકી થી ડર્યા કે ઝુક્યા વગર કોંગ્રેસને મત આપી વિજયી બનાવી છે.










































