વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામમાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વર્ષો પહેલાં મૃત્યુ પામેલા લોકો તેમજ પાકિસ્તાનમાં વસવાટ કરવા ગયેલા લોકોના નામે બોગસ જાબકાર્ડ બનાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ દરમિયાન મનરેગા યોજના હેઠળ ગોવિંદપરા ગામમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન તત્કાલીન સરપંચ ગની સુમરા અને ઉપસરપંચ ઈસા ચૌહાણે સરકારી ગ્રાન્ટમાં ગોટાળો કરવા માટે ખોટા દસ્તાવેજા તૈયાર કર્યા હોવાનો આક્ષેપ છે.
તપાસમાં સામે આવ્યું છે કે, વર્ષો પહેલાં મૃત્યુ પામેલા લોકો તેમજ ભારત છોડીને પાકિસ્તાનમાં વસતા થયેલા લોકોના નામે ખોટા ‘જાબ કાર્ડ’ તૈયાર કરવામાં આવ્યા હતા. આ બોગસ નામોના આધારે મસ્ટર રોલમાં ખોટી હાજરી બતાવી સરકારી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.આરોપીઓએ સરકારી યોજનાનો ગેરફાયદો ઉઠાવી બેંક ખાતાં ખોલાવ્યાં કે પછી ખોટી સહીઓના આધારે ગ્રાન્ટ ઉપાડી હોવાની પણ માહિતી સામે આવી છે.રાષ્ટ્રીય સમાચાર સેવા
આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી મળેલી ફરિયાદો બાદ સરકારી તંત્ર અને ઓડિટ ટીમ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મનરેગા યોજનામાં વહીવટી અને નાણાકીય અનિયમિતતાઓના મજબૂત પુરાવા મળ્યા હતા.તપાસ રિપોર્ટમાં તત્કાલીન સરપંચ ગની સુમરા અને ઉપસરપંચ ઈસા ચૌહાણની સીધી સંડોવણી સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પુરાવા મળતા જ તાલુકા વિકાસ અધિકારી ટીલાવત ફરિયાદી બન્યા હતા અને તેમણે વેરાવળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૮, ૪૭૧ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. હાલ સરકારી દસ્તાવેજા કબજે કરવાની તેમજ આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી ગતિમાન કરવામાં આવી છે.
આ ઘટનાએ ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ગામ વિકાસ અને ગરીબ શ્રમિકોને રોજગાર આપવા માટેની યોજના જ ભ્રષ્ટાચારનો ભોગ બનતા લોકોમાં પણ રોષ જાવા મળી રહ્યો છે.હવે લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.











































