અમદાવાદ શહેરમાં હાઈબ્રિડ ગાંજા વધતા નેટવર્ક વચ્ચે એસઓજી ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. વિજય ચાર રસ્તા નજીકથી મર્સિડીઝ કારમાં ફરતા એક યુવકને ઝડપી લઈને તેની પાસેથી અંદાજે ૬૯ લાખ રૂપિયાનો ૨ કિલો હાઈબ્રિડ ગાંજા જપ્ત કર્યો છે. ઝડપાયેલો આરોપી મૂળ રાજસ્થાનનો હોવાનું અને હાલ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ અને હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક ઝડપથી ફેલાઈ રહ્યું છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પેડલરો હવે પોલીસની નજરથી બચવા માટે મોંઘીદાટ અને લક્ઝરી કારનો ઉપયોગ કરી રહ્યા છે. બોપલના અર્ચિત અગ્રવાલ અને તેનો સાથી લાલો સોની પણ મર્સિડીઝ કારમાં જ ગાંજાની ડિલિવરી કરતા હોવાની વિગતો સામે આવી છે.
એસઓજીના પીઆઇ ગોહિલ અને ભટ્ટને બાતમી મળી હતી કે રાજસ્થાનથી હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવ્યો છે. બાતમીના આધારે વિજય ચાર રસ્તા પાસે વોચ ગોઠવી પોલીસે હાર્દિક કલાલ નામના યુવકને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન પોલીસે મર્સિડીઝ કારની તલાશી લેતા ગાંજાના બે પેકેટ મળી આવ્યા હતા. કુલ ૨ કિલો હાઈબ્રિડ ગાંજાની કિંમત અંદાજે ૬૯ લાખ રૂપિયા હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મર્સિડીઝ કાર ભુપેન્દ્ર પરમાર નામના વ્યક્તિની છે. હાર્દિકે પૂછપરછમાં જણાવ્યું કે ભુપેન્દ્ર પાસેથી તેના પૈસા લેવાના હોવાથી તેણે કાર ઉપયોગ માટે લીધી હતી.
આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે હાર્દિકને એરપોર્ટ નજીક ટ્રોલી બેગમાં ગાંજા સોંપવામાં આવ્યો હતો. આરોપીએ જણાવ્યું કે તેના સંબંધી પ્રદીપ કલાલના કહેવાથી તે એરપોર્ટ પાસે ગયો હતો, જ્યાંથી તેને ગાંજાના નવ પેકેટ આપવામાં આવ્યા હતા.
જે વ્યક્તિ ગાંજા લઈને આવ્યો હતો તે સાત પેકેટ સાથે પરત ગયો હતો, જ્યારે બે પેકેટ હાર્દિક પાસે રહી ગયા હતા. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ હાઈબ્રિડ ગાંજા ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય થવાનો હતો.










































