શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં વધતી ગુનાખોરી, ખાસ કરીને ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતાની હત્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. શહેરમાં ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ફરી રહેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સુરત શહેર પોલીસ દ્વારા “ઓપરેશન રેમ્બો” નામની વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન કુલ ૭૨ લોકો ઘાતક હથિયારો સાથે ઝડપાયા છે. જ્યારે ૧ તડીપાર આરોપીને પણ પકડી કુલ ૭૩ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસના ધ્યાને આવ્યું હતું કે, શહેરમાં બનતા ગંભીર ગુનાઓ જેમ કે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી અને ગેંગવોર જેવી ઘટનાઓમાં ગુનેગારો દ્વારા તલવાર, ચપ્પુ, રામપુરી, ખંજર જેવા હથિયારોનો ઉપયોગ વધી રહ્યો છે. જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવા માટે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી.
સુરત શહેર એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમ તથા અધિકારીઓએ તાજેતરમાં શહેરમાં નોંધાયેલા ગંભીર ગુનાઓનો ડેટા એકત્ર કર્યો હતો. હત્યા, લૂંટ, મારામારી અને હથિયાર સંબંધિત કેસોના વિશ્લેષણ બાદ જે વિસ્તારો વધુ સંવેદનશીલ હોવાનું સામે આવ્યું ત્યાં વિશેષ કોમ્બિંગ હાથ ધરાયું.
એસઓજીના પીઆઇ જે.એમ. પરમાર,પીઆઇ કે.એ. સાવલિયા તથા અલગ અલગ પોલીસ ટીમોને મેદાનમાં ઉતારી શહેરના અનેક વિસ્તારોમાં અચાનક ચેકિંગ કરવામાં આવ્યું. જે વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાઈ તેમાં લિંબાયત, ઉધના, ચોકબજાર, અઠવા, ભેસ્તાન, પુણા, મહિધરપુરા, ગોડાદરા, રાંદેર, સલાબતપુરા, અડાજણ અને લાલગેટ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ચેકિંગ દરમિયાન શંકાસ્પદ લોકો તેમજ અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં અનેક લોકો પાસે ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને તલવાર મળી આવતા તેમની સામે હથિયારબંધીના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી.
ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા કુલ ૭૨ કેસ જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ નોંધવામાં આવ્યા છે. જેમાં લિંબાયત – ૧૪ કેસ,ભેસ્તાન – ૧૩ કેસ,સલાબતપુરા – ૧૧ કેસ,અડાજણ – ૭ કેસ,ગોડાદરા – ૫ કેસ, અઠવા – ૩ કેસ,પુણા – ૩ કેસ,લાલગેટ – ૩ કેસ,ઉધના – ૧ કેસ,મહિધરપુરા – ૧ કેસ,રાંદેર – ૧ કેસ,અન્ય વિસ્તારો સહિત કુલ – ૭૨ કેસ,આ ઉપરાંત, જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ કેસ – ૭૨,તડીપાર ભંગનો કેસ – ૧,ડિંડોલી પોલીસ સ્ટેશનના મારામારી કેસમાં ફરાર આરોપી – ૧ ઝડપાયો,
પોલીસના જણાવ્યા પ્રમાણે, ઝડપાયેલા ઘણા આરોપીઓ અગાઉ હત્યા, ડબલ મર્ડર, હત્યાના પ્રયાસ, મોબાઇલ સ્નેચિંગ, લૂંટ, ચોરી, ડ્રગ્સ, હથિયાર અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહી ચૂક્્યા છે. પોલીસ તપાસમાં એક આરોપી મારામારીના કેસમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે જ્યારે એક આરોપી ડબલ મર્ડર અને ગુજસીટોકના કેસમાં તડીપાર હોવા છતાં શહેરમાં ફરી રહ્યો હતો.
શહેરમાં ચપ્પુ, રેમ્બો છરા અને તલવાર જેવા હથિયારો સરળતાથી ઉપલબ્ધ હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આવા હથિયારો કેટલાક સ્ટોર્સ, હાઈવે પાસેની દુકાનો અને અન્ય સ્થળોએ સરળતાથી મળી જતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પોલીસ સૂત્રો અનુસાર આવા હથિયારો સાથે ઝડપાયેલા લોકો સામે સામાન્ય રીતે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી થતી હોવાથી ઘણા કેસોમાં આરોપીઓને થોડા કલાકોમાં જામીન મળી જતા હોય છે. જેના કારણે ખાસ કરીને કેટલાક યુવાનો આવા હથિયારો પોતાની પાસે રાખતા હોવાનું માનવામાં આવે છે.
ઘણા કિસ્સાઓમાં રસ્તા પરના સામાન્ય ઝઘડાઓ પણ ઘાતક સ્વરૂપ ધારણ કરે છે કારણ કે બંને પક્ષ પાસે હથિયાર હોય છે અને ક્ષણિક ગુસ્સો હત્યા કે જીવલેણ હુમલામાં ફેરવાઈ જાય છે. છેલ્લા પંદર દિવસ દરમિયાન સુરતમાં થયેલી કેટલીક હત્યાઓમાં પણ ઘરગથ્થુ અથવા સામાન્ય ઉપયોગમાં આવતાં ધારદાર સાધનોનો ઉપયોગ થયાનો મુદ્દો સામે આવ્યો છે.ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતાની હત્યાએ શહેરમાં કાયદો વ્યવસ્થાને લઈને ચર્ચા ઉભી કરી હતી. આ ઘટનાના પગલે પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું અને અસામાજિક તત્વો સામે સીધી કાર્યવાહી શરૂ કરી.
ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ “ઓપરેશન રેમ્બો” માત્ર હથિયારો જપ્ત કરવાની કાર્યવાહી નહોતું પરંતુ શહેરમાં ભયમુક્ત વાતાવરણ ઉભું કરવા અને કાયદાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.









































