સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી છે. હવે જીત બાદ ભાજપનું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક અને કારોબારી ચેરમેન અને પક્ષના નેતાનું મંથન થયું હતું. ભાજપના મંથન બાદ અમદાવાદ જિલ્લાની ત્રણ નગરપાલિકા એટલે કે, વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિરમગામ નગરપાલિકામાં નવી ટીમની વરણી કરવામાં આવી છે.
મહત્વનું છે કે વિરમગામ નગરપાલિકામાં પ્રથમ ટર્મ ચૂંટણી લડેલા નેતાઓ હોદ્દેદાર તરીકે પસંદગી પામ્યા છે. જ્યારે ત્રણ ટર્મના નેતાઓ કપાયા છે. વિરમગામ નગરપાલિકા માટે ભાજપે યોગેશ પટેલને પ્રમુખ તરીકે અને ભારતી વજાણીને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ છે. જ્યારે કારોબારી ચેરમેન નરેશ શાહ તેમજ પક્ષના નેતા તરીકે જશોદા કણઝરીયા અને દંડક તરીકે અશ્વિન ઠાકોરની નિયુક્તિ કરી છે.
ધોળકા નગરપાલિકાના નવા હોદ્દેદારોના નામો પણ જાહેર થયા છે. જેમાં ધોળકા નગરપાલિકા માટે અનામિકા ભટ્ટને પ્રમુખ અને જયાબેન ઠાકોરને ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમજ કારોબારી ચેરમેન અનિલ વાઘેલા જ્યારે પક્ષના નેતા વિશાંત પટેલ અને દંડક મહેન્દ્રસિંહ જાદવની નિયુક્તિ કરવામાં આવી છે.
બારેજા નગરપાલિકામાં નિમણૂકો અંગેની જાહેરાત ભાજપે કરી છે. તેમાં બારેજા નગરપાલિકાના પ્રમુખ તરીકે હેતલ પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે કારોબારી ચેરમેન પાર્થ પટેલ અને પક્ષના નેતા પૂર્ણિમા પટેલ તેમજ દંડક માટે બિનાલ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે. આમ ભાજપે અમદાવાદ જિલ્લાના સમાવિષ્ટ ત્રણ નગરપાલિકા એટલે કે બારેજા, ધોળકા અને વિરમગામ માટેના વિવિધ પદોની નિયુક્તિ કરવામાં આવી છે. હવે આગામી સમયમાં આ સભ્યો નગરપાલિકાના વિવિધ હોદ્દાઓ સંભાળશે.







































