રાજકોટમાં દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી બે લોકોના મોતના કેસ માં મોટો વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી જીણાભગત ઉર્ફે જીણા ગોહિલે પોલીસ કસ્ટડી દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર આરોપી જીણા ગોહિલે ધરપકડ અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે વંદા અને મચ્છર મારવાનો સ્પ્રે મોઢામાં છાંટ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ આરોપીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસ દ્વારા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૬ હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરની ભગીરથ સોસાયટી વિસ્તારમાં બે લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાસ્થળ પરથી દેશી દારૂની કોથળી પણ મળી આવી હતી.
પ્રાથમિક તપાસમાં ઝેરી દારૂ પીવાથી બંનેના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાકે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહોના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા છે. પોલીસને હવે ફોરેન્સિક રિપોર્ટની રાહ છે, જે બાદ સમગ્ર ઘટનાનો સચોટ ખુલાસો થઈ શકે છે.
બીજી તરફ મૃતકોના પરિવારજનોએ દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારના આક્ષેપોને ધ્યાનમાં રાખીને પોલીસે હત્યાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે.હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે.







































