સિનેમા સફર
યહુદી સમુદાયનો ઇતિહાસ સંઘર્ષ, વેદના, અતૂટ શ્રદ્ધા અને પુનરુત્થાનની અદ્ભુત વાર્તાઓથી ભરેલો છે, જેને વૈશ્વિક સિનેમાએ હંમેશા ખૂબ જ સંવેદનશીલતા અને ઊંડાણપૂર્વક પડદા પર કંડાર્યો છે. હોલીવુડથી લઈને આંતરરાષ્ટ્રીય સિનેમા સુધી, યહુદી સંસ્કૃતિ અને ખાસ કરીને બીજા વિશ્વયુધ્ધ દરમિયાન થયેલા નરસંહાર (હોલોકોસ્ટ) પર બનેલી ફિલ્મોએ માનવ ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોને દુનિયા સામે ઉજાગર કર્યા છે. આ ફિલ્મો માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે ઇતિહાસના એવા દસ્તાવેજ છે જે માનવતા, ક્રૂરતા અને અસ્તિત્વ ટકાવી રાખવાની માનવીય જિજીવિષાને દર્શાવે છે. જ્યારે આપણે યહુદીઓ પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોની ચર્ચા કરીએ છીએ, ત્યારે દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગની માસ્ટરપીસ ફિલ્મ ‘શિંડલર્સ લિસ્ટ’ (Schindler’s List) આપોઆપ મોખરે આવે છે. આ ફિલ્મ એક જર્મન ઉદ્યોગપતિ ઓસ્કાર શિંડલરની સત્ય ઘટના પર આધારિત છે, જેણે પોતાના જીવના જોખમે એક હજારથી વધુ યહુદીઓને નાઝીઓના મરણટોળામાંથી બચાવ્યા હતા. બ્લેક એન્ડ વ્હાઇટમાં શૂટ થયેલી આ ફિલ્મ યહુદીઓની પીડા અને રક્ષણની કરુણતાને અત્યંત સચોટ રીતે રજૂ કરે છે.
આવી જ એક બીજી હૃદયસ્પર્શી અને ઓસ્કાર વિજેતા ફિલ્મ છે ‘ધ પિયાનિસ્ટ’ (The Pianist), જે એક યહુદી પિયાનોવાદક વ્લાડિસ્લોવ સ્પીલમેનની સત્ય જીવનકથા પર આધારિત છે. વાર્સોના ઘેટ્ટોમાં નાઝીઓના અત્યાચારો વચ્ચે એક કલાકાર કેવી રીતે ભૂખ, તરસ અને એકલતા સામે લડીને પોતાનો જીવ બચાવે છે, તેની આ રુંવાડા ઊભા કરી દે તેવી વાર્તા છે. સિનેમાએ માત્ર આ પીડાને જ નથી દર્શાવી, પરંતુ કટોકટીના સમયમાં પણ પ્રેમ અને સકારાત્મકતા કેવી રીતે જીવતી રાખી શકાય તે પણ શીખવ્યું છે. આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ઇટાલિયન ફિલ્મ ‘લાઇફ ઇઝ બ્યુટીફુલ’ (Life is Beautiful) છે. આ ફિલ્મમાં એક યહુદી પિતા કોન્સન્ટ્રેશન કેમ્પની ભયાનકતા વચ્ચે પોતાના નાના પુત્રને ડરથી બચાવવા માટે આખી પરિસ્થિતિને એક રમત તરીકે રજૂ કરે છે. હાસ્ય અને કરુણતાના અદ્ભુત મિશ્રણ વાળી આ ફિલ્મ દર્શકોની આંખોમાં આંસુ લાવી દે છે. આ ઉપરાંત, ‘ધ બોય ઇન ધ સ્ટ્રાઇપ્ડ પાયજામાસ’ The Boy in the Striped Pyjamas જેવી ફિલ્મો બે માસૂમ બાળકોની મિત્રતા દ્વારા હોલોકોસ્ટની ભયાનકતાને એક તદ્દન અલગ અને માસૂમ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે, જે દર્શકોના દિલને હચમચાવી મૂકે છે.
જો કે, યહુદીઓ પર બનેલી ફિલ્મો માત્ર બીજા વિશ્વયુધ્ધ પૂરતી સીમિત નથી. હોલોકોસ્ટ પછીના સમયગાળા અને યહુદી ઓળખને સમજવા માટે પણ ઘણી મહત્વની ફિલ્મો બની છે. જેમ કે, ‘મ્યુનિક’ (Munich) ફિલ્મ ૧૯૭૨ના ઓલિમ્પિક દરમિયાન યહુદી ખેલાડીઓ પર થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદ દ્વારા લેવાયેલા બદલાની રોમાંચક વાર્તા કહે છે. તેમજ ‘ફિડલર ઓન ધ રૂફ’ (Fiddler on the Roof) જેવી ક્લાસિક મ્યુઝિકલ ફિલ્મ યહુદી પરંપરાઓ, સંસ્કૃતિ અને બદલાતા સમય સાથે તેમના અસ્તિત્વના સંઘર્ષને ખૂબ જ સુંદર રીતે સંગીતના માધ્યમથી રજૂ કરે છે. આ તમામ ફિલ્મો વૈશ્વિક સ્તરે એ સંદેશ આપે છે કે ગમે તેટલા અત્યાચારો છતાં પણ કોઈ સંસ્કૃતિ કે સમુદાયના આત્મવિશ્વાસને કચડી શકાતો નથી. સિનેમાના માધ્યમથી યહુદી ઇતિહાસની આ વાર્તાઓ આજે પણ નવી પેઢીને નફરત સામે પ્રેમ અને સહિષ્ણુતાનો પાઠ ભણાવવાનું કામ કરી રહી છે.
naranbaraiya277@gmail.com










































