પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની કારમી હાર બાદ, બધાની નજર મમતા બેનર્જી પર છે. ટીએમસીમાં નંબર બે અભિષેક બેનર્જીએ દાવો કર્યો છે કે ટીએમસી મજબૂત વાપસી કરશે. રાજ્યના નવા મુખ્યમંત્રી, સુવેન્દુ અધિકારી, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ મોડેલને અનુસરી રહ્યા છે, ત્યારે મમતા બેનર્જી તેમની શેરી-લડવૈયા છબી પર ખરા ઉતરશે કે તેમનું આગામી પગલું શું હશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ સંદર્ભમાં, તેમના નંદીગ્રામથી ચૂંટણી લડવાની અફવાઓ ફેલાઈ છે. સુવેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક જાળવી રાખીને નંદીગ્રામથી રાજીનામું આપ્યું છે. પીએમ મોદીના સલાહકાર, સંજીવ સાન્યાલ અહીંથી ચૂંટણી લડી રહ્યા હોવાની પણ અફવાઓ ફેલાઈ છે.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં નંદીગ્રામ સંઘર્ષે મમતા બેનર્જીને રાજકીય સફળતાના શિખર પર પહોંચાડ્યા. ૨૦૦૭ માં, ડાબેરી મોરચાની સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને કેમિકલ હબ બનાવવા માટે નંદીગ્રામમાં ખેડૂતોની ફળદ્રુપ જમીન બળજબરીથી હસ્તગત કરવાનો પ્રયાસ કર્યો. મમતા બેનર્જીએ આ ખેડૂત વિરોધી પગલાનો સખત વિરોધ કર્યો અને ‘ભૂમિ ઉચ્છેદ પ્રતિરોધ સમિતિ’ ના બેનર હેઠળ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યું. નંદીગ્રામ અને સિંગુરમાં ખેડૂતોના આંદોલનોએ મમતા બેનર્જીને “મા, માટી, માનુષ” નું લોકપ્રિય રાજકીય સૂત્ર આપ્યું. આના કારણે તેમના પક્ષ (ટીએમસી) ને ૨૦૧૧ માં પ્રચંડ વિજય મળ્યો, જેનાથી ૩૪ વર્ષના ડાબેરી શાસનનો અંત આવ્યો.
મમતા બેનર્જી અત્યાર સુધી કુલ ત્રણ ચૂંટણી હારી ગયા છે.
૧૯૮૯ ની લોકસભા ચૂંટણીમાં, તેઓ જાદવપુર બેઠક પરથી સીપીઆઈ(એમ) ના ઉમેદવાર માલિની ભટ્ટાચાર્ય સામે હારી ગયા.
૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણીમાં, તેઓ નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. આ વખતે તેઓ ભવાનીપુર બેઠક પરથી હારી ગયા.
મમતા બેનર્જી સાત વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ બંગાળના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી છે.
નંદીગ્રામ સાથે મારો સંબંધ કોઈપણ ચૂંટણી પદ સાથે જાડાયેલો નથી. આ સંબંધ ખૂબ જ ઊંડો છે, અને મારા છેલ્લા શ્વાસ સુધી રહેશે.
૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં, તેમણે નંદીગ્રામથી ચૂંટણી લડી હતી, જેમાં તેઓ ૧,૯૫૬ મતોના નાના માર્જિનથી હારી ગયા હતા. ત્યારબાદ તેમને ધારાસભ્ય બનવા માટે ભવાનીપુરથી પેટાચૂંટણી લડવી પડી હતી. ૨૦૨૬ની ચૂંટણીમાં મમતા બેનર્જીએ ભવાનીપુરમાં પોતાનો ગઢ ગુમાવ્યો હતો, જેના કારણે તેઓ વિપક્ષના નેતા બની શક્યા ન હતા. સુવેન્દુ અધિકારી ભવાનીપુરમાં મોટા માર્જિનથી જીત્યા હતા, જ્યારે નંદીગ્રામમાં તેમનો વિજય માર્જિન ઓછો હતો. તેમણે ટીએમસી ઉમેદવારને ૯,૬૬૫ મતોથી હરાવ્યા હતા. હવે, ચર્ચા જારશોરથી ચાલી રહી છેઃ વકીલ તરીકે કોર્ટમાં લડી રહેલા મમતા બેનર્જી ચૂંટણી મેદાન છોડી દેશે કે નંદીગ્રામ ચૂંટણી માટે પોતાને તૈયાર કરશે, કારણ કે ટીએમસીનું ભવિષ્ય તેમની લડાયક ભાવના પર નિર્ભર છે. નંદીગ્રામ બેઠક ટીએમસીનો ગઢ છે, જ્યાં ૨૦૦૯માં પાર્ટીએ વિજય મેળવ્યો હતો. હવે જ્યારે નંદીગ્રામ બેઠક ખાલી છે, ત્યારે બધાની નજર ટીએમસી ઉમેદવાર પર છે.