અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ શહેર કોંગ્રેસ સંગઠનમાં આંતરિક ઉથલપાથલ તેજ બની છે. ચૂંટણીમાં ધાર્યા મુજબનું પ્રદર્શન ન થતા પક્ષ દ્વારા સંગઠનાત્મક જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જ પગલાંના ભાગરૂપે અમદાવાદ શહેરના ૬ જેટલા વોર્ડ પ્રમુખોને પદ પરથી હટાવવામાં આવ્યા છે.
પક્ષ દ્વારા નવરંગપુરા, જાધપુર, વાસણા, મકતમપુરા, વટવા અને રામોલ-હાથીજણ વોર્ડના પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે મકતમપુરા વોર્ડમાં કોંગ્રેસને સારો પ્રતિસાદ મળ્યો હોવા છતાં ત્યાંના પ્રમુખ સામે કાર્યવાહી થતાં ચર્ચા શરૂ થઈ છે.
આ નિર્ણય બાદ કોંગ્રેસના કાર્યકરોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સામે ખુલ્લો વિરોધ શરૂ થયો છે. કાર્યકરોનું કહેવું છે કે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને સમગ્ર વ્યૂહરચનાની જવાબદારી ટોચના નેતૃત્વની હોવી જાઈએ.
ઘણા કાર્યકરોનું માનવું છે કે ચૂંટણીમાં નબળા પરિણામ માટે માત્ર વોર્ડ પ્રમુખોને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. પક્ષના આંતરિક ગ્રુપોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સંગઠનના ટોચના નેતાઓએ પોતાની જવાબદારી સ્વીકારવી જાઈએ.
ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને શહેર નેતૃત્વની હાજરીમાં સમીક્ષા બેઠકો યોજાઈ હતી. ઝોનવાઈઝ ચર્ચા દરમિયાન ક્યાં ખામી રહી અને ક્યાં સંગઠન નબળું પડ્યું તેની સમીક્ષા કરવામાં આવી હતી.સ્ટ્ઠpજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી જ્યારે કોંગ્રેસને ૧૯૨માંથી ૩૨ બેઠકો મળી હતી. જાકે અગાઉની ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસે બેઠકોમાં વધારો નોંધાવ્યો હતો. ખાડિયા જેવા વિસ્તારમાં કોંગ્રેસની પેનલ જીતતા કાર્યકરોમાં આશા જાગી હતી, પરંતુ સત્તા સુધી પહોંચવામાં પક્ષ નિષ્ફળ રહ્યો.
જાધપુર વોર્ડના પૂર્વ પ્રમુખ રાકેશ જાશીએ જણાવ્યું કે વોર્ડમાં સંગઠન મજબૂત કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નહોતો. તેમણે દાવો કર્યો કે માત્ર થોડા મહિનામાં સંગઠન ઉભું કરીને ચૂંટણી જીતાડવી સરળ નથી.
હવે કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં શહેર પ્રમુખ સોનલ પટેલના નેતૃત્વ અંગે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક કાર્યકરો રાજીનામાની માંગ પણ કરી રહ્યા છે. આગામી દિવસોમાં કોંગ્રેસ સંગઠનમાં વધુ ફેરફાર થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.










































