સુરત શહેર કોંગ્રેસમાં જૂથવાદ ફરી એકવાર વકર્યો છે. શહેર પ્રમુખ દ્વારા પ્રદેશના હોદ્દેદાર રાજુભાઈ ભલાલાને સસ્પેન્ડ કરવામાં આવતા પક્ષમાં આંતરિક કલહ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. આ કાર્યવાહી બાદ રાજુભાઈએ વળતો પ્રહાર કરતા સવાલો ઉઠાવ્યા છે કે, “કઈ સત્તા હેઠળ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો?”
મળતી માહિતી મુજબ, રાજુભાઈ ભલાલાને ૭ મે ૨૦૨૬ના રોજ સસ્પેન્ડ કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, રાજુભાઈએ આ આખી પ્રક્રિયાને ગેરબંધારણીય ગણાવી છે. તેમનું કહેવું છે કે તેઓ પ્રદેશ કક્ષાના હોદ્દેદાર છે, તો પછી શહેર પ્રમુખ કયા નિયમ હેઠળ તેમની સામે શિસ્તભંગના પગલાં ભરી શકે?
રાજુભાઈ ભલાલાએ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાળાને સંબોધીને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે આકરા સવાલો કર્યા છે કે કયા નિયમ કે બંધારણીય જોગવાઈ હેઠળ આ પગલું ભરાયું? પોતાની વિરુદ્ધ કઈ ફરિયાદો મળી છે અને કોણે કરી છે, તેની વિગતો માંગી છે. તેમને વિશ્વાસમાં લીધા વિના કે નોટિસ આપ્યા વિના જ સીધું સસ્પેન્શન કેમ કરાયું? રાજુભાઈ ભલાલાએ ઉમેર્યું હતું કે શિસ્તના નામે કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. મને અંધારામાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે, જે પક્ષના હિતમાં નથી.
રાજુભાઈએ શહેર પ્રમુખને સ્પષ્ટ શબ્દોમાં ૭ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો સાત દિવસમાં તેમના સવાલોનો સંતોષકારક લેખિત જવાબ નહીં મળે, તો તેઓ આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હાઈકમાન્ડ સુધી રજૂઆત કરવાની ચીમકી આપી છે. સુરત કોંગ્રેસમાં વકરેલો આ જૂથવાદ આવનારી ચૂંટણીઓ પહેલા પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે. એક તરફ સંગઠનને મજબૂત કરવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ લડાઈથી કાર્યકરો પણ મુંઝવણમાં મુકાયા છે.










































