સોમનાથ ખાતે યોજાનારા ‘અમૃત પર્વ’ની તૈયારીઓ દરમિયાન ગતરાત્રે એક દુઃખદ ઘટના સર્જાઈ હતી. સોમનાથના ત્રિવેણી સંગમ નજીક સુરક્ષાના ભાગરૂપે નારીયેળી દૂર કરવાની કામગીરી દરમિયાન નગરપાલિકાના કર્મચારીનું ઊંચાઈ પરથી પટકાતા કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મૃતકની ઓળખ ડાભોર ગામના ૩૨ વર્ષીય મહેશ બારીયા તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, અમૃત પર્વ કાર્યક્રમને ધ્યાનમાં રાખી ત્રિવેણી સંગમ વિસ્તાર ખાતે સફાઈ અને સુરક્ષા સંબંધિત કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન મહેશ બારીયા નારીયેળ દૂર કરવા માટે ચડ્યા હતા, પરંતુ અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા. આ દરમિયાન તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો, સગા સંબંધીઓ તેમજ કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર બનાવને લઈને શોક સાથે રોષની લાગણી પણ જાવા મળી હતી. પરિવારજનોએ પાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો લગાવતા પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને સાધનો ઉપલબ્ધ ન કરાયા હોવાનો આરોપ મૂક્યો હતો.