વડિયાથી સુરત તરફ જતી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસોમાં મુસાફરી કરતા લોકો અત્યારે બેવડી મુસીબતનો સામનો કરી રહ્યા છે. વડિયા સ્ટેશનથી સાંજે ૫ઃ૧૫ કલાકે ઉપડતી બસ રાત્રે છેક ૧૧ઃ૦૦ વાગ્યે જમવાના પોઈન્ટ પર પહોંચે છે. આટલા મોડા સમયે ભોજન વિરામ રાખવામાં આવતા વૃધ્ધો, મહિલાઓ અને ખાસ કરીને નાના બાળકોની હાલત કફોડી બની જાય છે. રાત્રિના સમયે મળતું ભોજન પણ મોંઘું અને અયોગ્ય હોવાની ફરિયાદો ઉઠી છે. સૌથી ગંભીર બાબત એ છે કે નિર્ધારિત જમવાના સ્થળ પર દુકાનદારો દ્વારા મુસાફરોની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. રૂ.૧૦ ની કિંમતની સામાન્ય વસ્તુ માટે રૂ.૨૦ અને રૂ.૧૫ ના આઈસ્ક્રીમ માટે રૂ.૩૦ જેવો બમણો ભાવ વસૂલવામાં આવે છે. આ લૂંટ અને અસુવિધા અંગે વડિયાના વરિષ્ઠ પત્રકાર ભીખુભાઈ વોરાએ સત્તાધીશોને લેખિતમાં જાણ કરી છે. તેમણે માંગ કરી છે કે જમવાના પોઈન્ટના સમયમાં ફેરફાર કરવામાં આવે અને
એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા વેપારીઓ સામે કડક પગલાં ભરી મુસાફરોને આર્થિક અને શારીરિક ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે.









































