ખાંભા તાલુકાના ડેડાણ ગામે મજાક-મસ્તી જેવી સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. મજાક કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ એક યુવક પર તલવાર અને છરી વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને હાથ અને પગના ભાગે ૭૨ જેટલા ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વિનુભાઇ મનુભાઇ લકધીર (બારોટ, ઉ.વ.૫૨) એ અકિલ રહીમભાઇ કચરા, તૌફિક કાસમભાઇ અગવાન તથા બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ડેડાણ ગામે અકિલ રહીમભાઇ કચરા તેમની સાથે મજાક-મસ્તી કરતો હતો. તેમણે તેને મજાક કરવાની ના પાડતા આરોપી ઉશ્કેરાયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. તે સમયે તેમણે તેને ઝાપટ મારી દેતા, આ વાતનો રાગદ્વેશ રાખી આરોપીએ અન્ય ત્રણ સાગરીતો ને હથિયારો સાથે બોલાવી લીધા હતા. ચારેય આરોપીઓ એકસંપ થઈને છરી અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે તેમની પાસે પહોંચ્યા હતા. બે શખ્સોએ તેને પકડી રાખ્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓએ તેને જાનથી મારી નાખવાના ઈરાદે પેટના ભાગે ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે બચાવ માટે પોતાનો હાથ આડો ધરતા તલવારનો ઘા જમણા હાથ પર વાગ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ છરી વડે બંને પગના ભાગે આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને હાથ અને પગના ભાગે કુલ ૭૨ ટાંકા આવ્યા હતા.