મતીરાળા ગામથી કૃષ્ણગઢ તરફ જઈ રહેલા બાઇક સવાર પરિવારને પાછળથી આવતી એક બોલેરો પીકપના ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ થતા હાલ તેઓ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. લાલજીભાઇ સામતભાઇ ચાવડા (ઉ.વ.૪૦)એ બોલેરો ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની મોટર સાયકલ લઈને મતીરાળાથી કૃષ્ણગઢ તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે અન્ય સભ્યો પણ હતા. તેઓ જ્યારે પોતાની વાડી પાસે સાહેદને ઉતારવા માટે મોટર સાયકલ ઉભી રાખી રહ્યા હતા, બરાબર તે જ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી બોલેરોના ચાલકે ગફલતભરી રીતે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા. બાબુભાઈને વાંસાના ભાગે, જમણા હાથે અને કમરના ભાગે ઈજાઓ થઈ હતી. તેમને માથાના ભાગે હેમરેજ થયું હતું અને માથામાં ૬ ટાંકા આવ્યા હતા.









































