રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અમરેલી જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા
આદ્ય પત્રકાર તરીકે જાણીતા દેવર્ષિ નારદજીની જન્મ જયંતિને અનુલક્ષીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અમરેલી જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા અમરેલીના અવધ હોટલ ખાતે જિલ્લાના પત્રકારોનું સ્નેહમિલન યોજાયું હતું. સૌપ્રથમ વરિષ્ઠ પત્રકારો અને સંઘના અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ સંઘના ભાવનગર વિભાગ કાર્યવાહ વિપુલભાઈ જોશીનું વક્તવ્ય હતું. વિપુલભાઈએ મહાભારત અને અન્ય ગ્રંથોના આધારે નારદજીના ગુણોના સંદર્ભે પત્રકારોના ગુણોની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે નારદજીને કલેશ ઉત્પન્ન કરનારા ગણીએ છીએ પરંતુ વાસ્તવમાં તે કલેશ વડે સત્ય બહાર લાવનારા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સમાજને સંભ્રમ માંથી બહાર કાઢવાનું કાર્ય પત્રકારોનું છે, આ માટે દ્રષ્ટિને સૂક્ષ્મ બનાવી, માહિતીના સોર્સ જાણી સત્યને બહાર લાવવું જોઈએ અને આ માટે કેન્દ્રિત દ્રષ્ટિ વિકસાવી જરૂરી છે, જેમ નારદજીની દ્રષ્ટિ માત્ર નારાયણ નારાયણ નામ પર જ કેન્દ્રિત હતી. રાષ્ટ્રવિરોધી તાકાતો જો સંગઠિત થઈ કાર્ય કરતી હોય તો પત્રકારો એ પણ સંગઠિત થઈ કાર્ય કરવું પડશે અને સમાજને સત્ય દેખાડવું પડશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો એક સારો પત્રકાર પત્રકારત્વ છોડશે તો આટલા મોટા સમાજમાં કોઈ મોટો ફેર નહીં પડે પરંતુ એક સારો વિચાર હંમેશા માટે નાશ પામશે માટે પત્રકારોએ સતત પ્રયત્નો કરતા રહેવું પડશે. ત્યારબાદ પત્રકારોના પ્રશ્નો પર જિજ્ઞાસા સમાધાન પણ યોજાયું હતું જેમાં પત્રકારોએ સંઘકાર્ય ને લગતા ઉપસ્થિત કરેલા પ્રશ્નોનું સમાધાન પણ વિપુલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આભાવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો તેમ અમરેલી જિલ્લા પ્રચાર પ્રમુખ હિમાંશુભાઈ ખંભોળિયાની યાદીમાં જણાવે છે.










































