અમરેલી શહેરમાં પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવતી એક ઘટના સામે આવી હતી. મિલકતમાં હક અને પૈસાની માંગણી કરી ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના જ પિતા પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે કૌશિકભાઇ નનકુભાઇ ધરજીયા (ઉવ.૪૮) એ પુત્ર અમનભાઇ કૌશિકભાઇ ધરજીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ જ્યારે પોતાના ઘરે હાજર હતા, ત્યારે આરોપી પુત્ર ત્યાં આવી પહોંચ્યો હતો અને ઝઘડો શરૂ કર્યો હતો. પુત્રએ આવીને રોષે ભરાઈને કહ્યું હતું કે, તમે મને પૈસા આપતા નથી અને મિલકતમાં મારો હક છે. વાતચીત દરમિયાન પુત્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. ઉશ્કેરાટમાં આવીને તે છરી મારવા દોડ્યો હતો. હુમલા દરમિયાન તેમને ટચલી આંગળીના ભાગે છરીનો છરકો વાગતા લોહીલુહાણ ઈજા થઈ હતી. છરીથી હુમલો કર્યા બાદ પણ પુત્ર શાંત પડ્યો ન હતો અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પારિવારિક મિલકતના વિવાદમાં પુત્રએ લોહીના સંબંધોને લજવતા સ્થાનિક પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.આર. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.









































