સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં કચ્છ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નખત્રાણા તાલુકાના વિથોણ ગામે ભારતીય જનતા પાર્ટીની એક સભા દરમિયાન પક્ષના જ સ્થાનિક કાર્યકરો અને ગ્રામજનો દ્વારા ધારાસભ્યનો વિરોધ કરવામાં આવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આ પ્રકારે જાહેરમાં થયેલા વિરોધને પગલે સંગઠનમાં રહેલો આંતરિક ખટરાગ હવે સપાટી પર આવ્યો હોય તેમ જણાય છે.
વિગતે વાત કરીએ તો, કચ્છ જિલ્લાના વિથોણ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર ગોપાલ રુડાણીના કાર્યાલય ખાતે એક મહત્વની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચૂંટણીલક્ષી રણનીતિ અને પ્રચાર કાર્ય માટે બોલાવવામાં આવેલી આ બેઠકમાં જ્યારે ધારાસભ્ય સંબોધન કરી રહ્યા હતા, ત્યારે જ સ્થાનિક કાર્યકરોએ વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. આ વિરોધ પાછળનું મુખ્ય કારણ સ્થાનિક પ્રશ્નો હોવાનું સામે આવ્યું છે.
સભામાં હાજર સ્થાનિક લોકો અને કાર્યકરોનો આક્ષેપ છે કે, વિસ્તારના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં તેનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. લાંબા સમયથી ચાલી આવતી આ અવગણનાને કારણે કાર્યકરોમાં ભારે રોષ જાવા મળી રહ્યો હતો, જે અંતે ભાજપના ઉમેદવારની હાજરીમાં જ ફાટી નીકળ્યો હતો. ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જ્યારે કાર્યકરોને સંબોધવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ સ્થાનિકોએ તેમની સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
સામાન્ય રીતે ભાજપની સભાઓમાં શિસ્ત જાવા મળતી હોય છે, પરંતુ અહીં કાર્યકરોએ પોતાની રજૂઆતો અને અંત ન આવતા પ્રશ્નોને મુદ્દે ધારાસભ્યનો સીધો વિરોધ કર્યો હતો. આ ઘટના સમયે વિથોણ જિલ્લા પંચાયતના ઉમેદવાર પણ ત્યાં હાજર હતા, જેની હાજરીમાં જ આ સમગ્ર હોબાળો મચ્યો હતો. ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના જ ગઢ ગણાતા વિસ્તારોમાં કાર્યકરોનો આ પ્રકારે વિરોધ પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.
સ્થાનિક સ્તરે રજૂઆતોનો અંત ન આવતા કાર્યકરોમાં વ્યાપેલો અસંતોષ જા આગામી સમયમાં શાંત કરવામાં નહીં આવે, તો તેની અસર આગામી પરિણામો પર પડી શકે તેવી શક્્યતાઓ રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં તો વિથોણ ગામની આ ઘટના આખા કચ્છ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે. જેનો વાયરલ વિડિયો ચર્ચામાં છે. હવે પક્ષના મોવડી મંડળ દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે અને કાર્યકરોની નારાજગી કેવી રીતે દૂર કરવામાં આવે છે, તે જાવું રહ્યું.










































