અમરેલી જિલ્લાના રાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકા રાખી એક શખ્સે દૂધ વિતરણ કરવા નીકળેલા પશુપાલક પર કોયતા જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. કપાળના ભાગે ગંભીર ઈજા થતા ઈજાગ્રસ્તને પાંચ જેટલા ટાંકા આવ્યા હતા.બનાવ અંગે તબેલાનો વ્યવસાય કરતા જાનાભાઇ જીવાભાઇ હડીયા (ઉ.વ.૩૦) એ કિશનભાઇ અશોકભાઇ ખેંગાર સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની વિગતો મુજબ, તેમના તબેલામાં આરોપીની પત્ની અગાઉ સાફ-સફાઈના કામે આવતી હતી. આશરે છ મહિના પહેલા આરોપીની પત્નીએ તેમને ફોન કર્યો હતો, જે બાદ જાનાભાઇએ તેને ફરી ફોન કરવાની ના પાડી હતી અને તબેલામાં કામે આવવાનું પણ બંધ કરાવી દીધું હતું.જોકે, પત્નીના મોબાઈલ ફોનમાં વાતચીત થઈ હોવાનું સામે આવતા આરોપીએ મનમાં વેર રાખ્યું હતું. આરોપીને શંકા હતી કે તેની પત્ની અને ફરિયાદી વચ્ચે અનૈતિક સંબંધો છે. આ વેરની વસૂલાત કરવા માટે જ્યારે ફરિયાદી સલાટવાડા વિસ્તારમાં દૂધ આપવા નીકળ્યા હતા, ત્યારે આરોપીએ તક જોઈ લોખંડના કોયતા વડે તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરે કપાળના ભાગે ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપીએ જાહેરમાં બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.










































