ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મુરલી મનોહર મંદિરને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે. મંદિરના મહંત રવિન્દ્રદાસ બાપુ અને સેવક ડી.સી. પટેલ સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મનસ્વી વહીવટ, ધમકીઓ અને ભેદભાવના આક્ષેપોને લઈને ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. ધોમધખતા તાપમાં મહિલાઓ, પુરુષો અને બાળકો મોટી સંખ્યામાં ધોરાજી પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોએ મહંત અને સેવકને તાત્કાલિક હટાવવાની માગણી કરી હતી. તેઓએ ચેતવણી આપી કે માંગ સંતોષાશે નહીં તો ગામ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવામાં આવશે તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. આવેદનમાં દર્શાવવામાં આવ્યું છે કે મંદિરમાં દર્શન માટે અવરોધ ઉભા થાય છે, તહેવારોમાં દીકરીઓને પૂજનથી વંચિત રાખવામાં આવે છે અને યજમાનો પાસેથી મોટી રકમ વસૂલાય છે. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી છે અને શાંતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવાયો છે. હાલ સ્થિતિ તણાવપૂર્ણ હોવા છતાં નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળે છે.