સાવરકુંડલાની પવિત્ર ધરા પર આગામી રવિવારે અક્ષય તૃતીયાના પાવન અવસરે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ દાદાનો પ્રાગટ્ય મહોત્સવ દિવ્યતાથી ઉજવાશે. સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમની શરૂઆત બપોરે ૪ઃ૦૦ કલાકે શાસ્ત્રોક્ત પૂજન-અર્ચનથી કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ૫ઃ૦૦ કલાકે શહેરના મુખ્ય રાજમાર્ગો પર શિસ્તબધ્ધ રીતે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં સમગ્ર નગર ‘જય પરશુરામ’ના નાદથી ગુંજી ઉઠશે. આ મહોત્સવ અંતર્ગત બ્રહ્મપુરી ખાતે મહાઆરતી અને સમૂહ પ્રસાદનું સુંદર આયોજન કરાયું છે. પરશુરામ સેનાના સ્વયંસેવકો રાત-દિવસ મહેનત કરી આ ઉત્સવને સફળ બનાવવા પ્રયત્નશીલ છે. સાવરકુંડલાના તમામ ભૂદેવોને આ ધાર્મિક યજ્ઞમાં સહપરિવાર જોડાઈને બ્રહ્મ એકતાના સાક્ષી બનવા અને દાદાના આશીર્વાદ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.