જાફરાબાદ બંદર પાસે દરિયામાં મત્સ્યોદ્યોગના નિયમોનો ભંગ કરી માછીમારી કરવા બદલ એક બોટ અને તેના ટંડેલ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ટોકન લીધા વગર દરિયામાં પ્રવેશ કરવો તે સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બાબત હોવાથી બોટને પકડી પાડી ગુનો નોંધવામાં આવ્યો હતો મળતી વિગતો મુજબ, જાફરાબાદ બંદરથી આશરે ૨ નોટિકલ માઈલ દૂર ‘ટેટાપુલ’ પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન “LORD SHIP” નામની બોટ (રજીસ્ટ્રેશન નં.IND-MH-6-MM-૯૧૪) શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. તપાસ કરતા માલુમ પડ્‌યું હતું કે, આ બોટના ટંડેલ વોલ્ટર નાઝરેથ મનભાટ (રહે. વસઈ કોળીવાડા, જી. પાલઘર, મહારાષ્ટ્ર) એ માછીમારી કરવા જવા માટે જરૂરી સરકારી ‘ટોકન’ લીધું નહોતું. નિયમ મુજબ, કોઈપણ બોટ દરિયામાં માછીમારી માટે જાય ત્યારે મત્સ્યોદ્યોગ વિભાગ પાસેથી ટોકન લેવું ફરજિયાત હોય છે. આ કિસ્સામાં ટંડેલે નિયમોનું ઉલ્લંઘન કરી બોટ દરિયામાં ઉતારી હતી. આ બદલ ટંડેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષા અને માછીમારોની સલામતી માટે ટોકન પ્રક્રિયા અનિવાર્ય હોવા છતાં કરવામાં આવેલી આ બેદરકારીને પગલે અન્ય માછીમારોમાં પણ ફફડાટ ફેલાયો હતો. પોલીસે બોટ અને ટંડેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.