રાજુલામાં ભારતીય બંધારણના ઘડવૈયા ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ઉજવણી દરમિયાન સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર મહાપુરુષ વિશે બિભત્સ શબ્દો લખી અનુસૂચિત જાતિના લોકોની લાગણી દુભાવવા બદલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત તારીખ ૧૪/૦૪/૨૦૨૬ના રોજ રાજુલા શહેરમાં ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે દલિત સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના આંબેડકર સર્કલ ખાતે આવેલી ડા. બાબાસાહેબની પ્રતિમાને સમાજના આગેવાનો દ્વારા ફુલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી. વિવેકભાઇ પ્રવિણભાઇ બાબરીયા (ઉ.વ.૨૦) એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આ કાર્યક્રમમાં હાજર એક યુવકે પોતાના મોબાઈલ ફોનમાં ઉજવણી અને રેલીનો ૩૪ સેકન્ડનો વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ રાત્રે આશરે ૯ઃ૩૨ વાગ્યે તેણે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર રીલ્સ તરીકે અપલોડ કર્યો હતો.
ફરિયાદ મુજબ, આ અપલોડ કરાયેલા વીડિયો પર આરોપીએ બંધારણના ઘડવૈયા ડા. બાબાસાહેબ આંબેડકર વિશે અત્યંત ખરાબ અને બિભત્સ ગાળો સાથેની કોમેન્ટ કરી હતી. અનુસૂચિત જાતિના લોકો જેમના પ્રત્યે ઉચ્ચ આદર ધરાવે છે તેવા મહાપુરુષનું અપમાન કરી, જાહેરમાં બિભત્સ શબ્દોનો પ્રયોગ કરીને આરોપીએ સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક એન બી ગોરડિયા વધુ તપાસ કરી રહ્યા છે.










































