સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડવા માટે સજ્જ થઈ રહ્યા છે. આ માહોલ વચ્ચે અમરેલી જિલ્લાની ૧ જિલ્લા પંચાયત, ૧૧ તાલુકા પંચાયત અને ૬ નગરપાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા બે દિવસથી ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં પક્ષના કાર્યકરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અલગ-અલગ બેઠકો પર નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી મજબૂતીથી રજૂ કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓએ ગત મોડી રાત સુધી તમામ દાવેદારોને ખૂબ જ શાંતિપૂર્વક સાંભળ્યા હતા. સમગ્ર જિલ્લામાંથી કુલ ૧૬૮૦ જેટલા કાર્યકરોએ પક્ષ પાસે ટિકિટની માંગણી કરી છે. અમરેલી જિલ્લામાં કાર્યકરોની સરળતા ખાતર સાવરકુંડલા, ધારી અને અમરેલી એમ કુલ ત્રણ ઝોન બનાવવામાં આવ્યા હતા, જેથી કાર્યકરોને છેક જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ર૪ કલાકમાં ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરે તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.










































