આણંદ જીલ્લાની ઉમરેઠ બેઠકના ધારાસભ્યનું અવસાન થતાં વિધનાસભાની પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. ભાજપે અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે હર્ષદ પરમાર તો કોંગ્રેસે ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણને ઉતાર્યા છે. ત્યારે આજે હર્ષદ પરમાર ફોર્મ ભરવા જાય તે પહેલા ભાજપે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતુ. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિશાળ જનસભા યોજી પેટા ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે.
ઉમરેઠની રજની નગર સોસાયટી ખાતે યોજાયેલી વિશાળ જાહેર સભામાં હજારોની સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા વિકાસના એજન્ડા પર લડે છે અને જનતાના આશીર્વાદ હંમેશા પક્ષની સાથે રહ્યા છે. તેમણે ઉમરેઠની જનતાને સરકારના ફાયદા ગણાવ્યા હતા અને ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું.
આ શક્તિ પ્રદર્શનમાં માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ પ્રદેશ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓ ચૂંટણી પ્રભારી પણ હાજર રહ્યા હતા. કેસરીયા સાફા અને પક્ષના ઝંડાઓ સાથે કાર્યકરોનો ઉત્સાહ જાવા જેવો હતો. સમગ્ર ઉમરેઠ જાણે કેસરીયા રંગે રંગાયું હોય તેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિક નેતાઓએ પણ મંચ પરથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સભાના અંતે મુખ્યમંત્રી અને પક્ષના વરિષ્ઠ નેતાઓની આગેવાનીમાં બપોરે ‘વિજય મુહૂર્ત’માં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આજની આ ભીડ અને ઉત્સાહ વિરોધ પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે.
ઉમરેઠ વિધાનસભા બેઠક ભાજપના પીઢ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ નિધન બાદ ખાલી પડી હતી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સાથે આ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની હોવાથી ભાજપે સહાનુભૂતિ અને વારસાના રાજકારણને પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપીને આ બેઠક જાળવી રાખવા માટે વ્યૂહરચના ઘડી છે. ભાજપને આશા છે કે પિતાના કાર્યો અને વિસ્તારમાં તેમનો પ્રભાવ હર્ષદ પરમારને વિજય અપાવવામાં મદદરૂપ થશે. બીજી તરફ કોંગ્રેસે આ બેઠક પર કોઈ નવા ચહેરાને બદલે બહોળો રાજકીય અનુભવ ધરાવતા ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પર પસંદગી ઉતારી છે. ભૃગુરાજસિંહ ઉમરેઠ તાલુકાના રાજકારણમાં જાણીતું નામ છે. તેઓ સતત ૧૫ વર્ષ સુધી ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્્યા છે. ત્યાર હવે આ પેટા ચૂંટણીમાં કોણ જીતશે તે આવનરો સમય જ બતાવશે.