વૈશ્વીક તણાવમાં વધારો થવા છતાં બુધવારે સ્થાનિક શેરબજાર ઊંચકાયું. ટ્રેડિંગના અંતે,બીએસઇ સેન્સેક્સ ૬૩૩.૨૯ પોઈન્ટ વધીને ૭૬,૭૦૪.૧૩ પર બંધ થયો. તે જ સમયે, એનએસઇ નિફ્ટી પણ ૧૯૬.૬૫ પોઈન્ટ વધીને ૨૩,૭૭૭.૮૦ પર બંધ થયો. એફએમસીજી અને મેટલ્સ સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો વધારા સાથે બંધ થયા. રિયલ્ટી,આઇટી ઓટો, મીડિયા, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ૧ થી ૩ ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ ૨ ટકા વધ્યો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૬ ટકા વધ્યો. ટોચના નિફ્ટી ગેઇનર્સમાં જિયો ફાઇનાન્શીયલ,ટેક મહિન્દ્રા,ઇન્ફોસિસ,એટરનલ અને એમએન્ડએમનો સમાવેશ થાય છે. દરમિયાન, કોલ ઇન્ડિયા, એનટીપીસી,એચયુએલ સિપ્લા અને સન ફાર્મા ઘટ્યા હતા.
મજબૂત યુએસ ડોલર અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના વેચાણ દબાણને કારણે બુધવારે ભારતીય રૂપિયો ૨૩ પૈસા ઘટીને ૯૨.૬૩ (કામચલાઉ) ના રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો. ફોરેક્સ વેપારીઓના મતે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વીક સ્તરે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવે રોકાણકારોનું વલણ વધુ નબળું પાડ્યું. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૯૨.૪૨ પર ખુલ્યો અને મોટાભાગના સત્ર દરમિયાન ૯૨.૪૧ થી ૯૨.૪૮ ની રેન્જમાં ટ્રેડ થયો. જાકે, અંતિમ ટ્રેડિંગ સત્રમાં તે તીવ્ર ઘટાડો થયો અને ૯૨.૬૩ (કામચલાઉ) ના સર્વકાલીન નીચલા સ્તરે બંધ થયો, જે તેના પાછલા બંધ કરતા ૨૩ પૈસાનો ઘટાડો દર્શાવે છે. દિવસ દરમિયાન, રૂપિયો પણ ૯૨.૬૫ ના રેકોર્ડ ઇન્ટ્રા-ડે નીચા સ્તરે ગયો. મંગળવારે અગાઉ, રૂપિયો ૯૨.૪૭ ના ઇન્ટ્રા-ડે નીચા સ્તરે પહોંચ્યો હતો અને અંતે ૯૨.૪૦ ના સર્વકાલીન નીચલા સ્તરે બંધ થયો હતો.
વૈશ્વીક પુરવઠાની ચિંતાઓ હળવી થવાના સંકેતો વચ્ચે બુધવારે ફ્યુચર્સ ટ્રેડિંગમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો. મલટી કોમોડિટી એક્સચેન્જ પર ક્રૂડ ઓઇલના ભાવ ૧૩૭ રૂપિયા અથવા ૧.૫૪ ટકા ઘટીને પ્રતિ બેરલ રૂ. ૮,૭૩૪ થયા. માર્ચ ડિલિવરી કોન્ટ્રાક્ટમાં આ ઘટાડો ૫,૨૪૪ લોટના ટર્નઓવર સાથે નોંધાયો હતો. તે જ સમયે, એપ્રિલ ડિલિવરી માટેનો કોન્ટ્રાક્ટ પણ ૯૮ રૂપિયા અથવા ૧.૧૧ ટકા ઘટીને ૮,૭૪૬ રૂપિયા પ્રતિ બેરલ થયો, જેમાં ૧૪,૬૭૬ લોટનું ટ્રેડિંગ થયું.
વિશ્લેષકોના મતે, પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય તણાવ ઓછો થવાના સંકેતો અને પુરવઠા સંબંધિત ચિંતાઓ વચ્ચે બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અસ્થિર રહ્યા. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટાડો જાવા મળ્યો. મે ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૦.૬૨ ટકા ઘટીને ૧૦૨.૭૮ પ્રતિ બેરલ થયા, જ્યારે ન્યૂ યોર્કમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ૧.૫૬ ટકા ઘટીને ૯૪.૦૪ પ્રતિ બેરલ થયા.















































